અંજારના સિનુગ્રા ગામમાં રહેણાંક મકાનમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, રૂ. ૧.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત
અંજારઃ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પાછલા કેટલાક વર્ષોથી નશાખોરીનું દુષણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક રહેણાંક મકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી, જમીનમાં ઉગાડેલા ૩૮ ઝાડ તથા ઘરમાં સંગ્રહિત કરેલા ૧૬.૨૫૧ કિલો જેટલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી અંગે એસ.ઓ.જી. પી.આઇ. ડી. ડી. ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અંજારના દેવળિયા નાકા જાગરિયા ફળિયામાં રહેનાર મહમદ હાજી મહમદ હુસેન સૈયદ સિનુગ્રાના આંબેડકર નગર ખાતેના તેના કબજાના મકાનમાં ગાંજાની ખેતી કરતો હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ મકાનમાં હાજર મહિલાને સાથે રાખી પોલીસે ઘરની તલાશી લીધી હતી. ઘરના વરંડામાં જોવા મળેલાં ૩૮ જેટલાં વૃક્ષ ગાંજાનાં હોવાનું તથા તેની ખેતી મહમદ હાજી કરતો હોવાની કબૂલાત મહિલાએ આપી હતી.
આ પણ વાંચો : અંજારમાં નીમકોટેડ યુરિયા ઝડપાવાના કેસમાં આખરે નોંધાઈ ફરિયાદ…
ગાંજાની મીની ફેક્ટરી સમા આ મકાનના શયન કક્ષમાંના પેટી પલંગની તપાસ કરાતાં તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી ૫૫૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેનું વેચાણ પણ હાજર ન મળી આવેલો શખ્સ કરતો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સ્થળે પહોંચેલા એફ.એસ.એલ. અધિકારીએ હાથ ધરેલા પ્રાથમિક પૃથ્થકરણમાં.આ ઝાડ, પાંદડામાં કેનાબિસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું અને તે ગાંજાના હોવાનું બહાર આવ્યું હતું. અહીંથી પોલીસે ૧૬ કિલો અને ૨૫૧ ગ્રામ ગાંજો તથા એક વજનકાંટો, આધારકાર્ડ મળીને કુલ રૂા. ૧,૬૩,૫૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.