રાજકોટ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો, અપક્ષ ઉમેદવાર અમરદાસે ફોર્મ પાછું ખેંચ્યું
રાજકોટ : ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ફોર્મ ચકાસણી દરમિયાન ઢગલા બંધ વાંધા રજુ કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ ભીમદાસ દેસાણી જ અંતે ફસકી ગયા છે અને આજે તેમણે પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા રાજકોટની બેઠક ઉપર હવે 9 ઉમેદવારો ચુંટણી જંગમાં રહ્યાં છે. આ સાથે જ આજે રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ લોકસભા બેઠક પર હવે કોણ ચૂંટણી મેદાનમાં છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
રાજકોટની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુખ્ય ચુંટણી સ્પર્ધા રહે તેવું જણાઈ રહ્યું છે. આ સિવાય બહુજન સમાટ પાર્ટી, બહુજન મુકિત પાર્ટી અને પાંચ અપક્ષો પણ નશીબ અજમાવી રહ્યાં છે. રાજકોટની બેઠક ઉપર હવે ભાજપના પરસોત્તમભાઈ રૂપાલા, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણી, બહુજન મુક્તિ પાર્ટી તેમજ અપક્ષો ભાવેશ આચાર્ય, નયનકુમાર ઝાલા, નિરલકુમાર અજાગીયા, જીજ્ઞેશભાઈ લોહાર અને ભાવેશહભાઈ પીપળીયા મળી કુલ 9 ઉમેદવારો ચૂંટણી સ્પર્ધામાં રહ્યાં છે.
રાજકોટની બેઠક ઉપર આજે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતા ચૂંટણી તંત્ર દ્વારા સ્પર્ધામાં રહેલા ઉમેદારોને ચુંટણી પ્રતિકો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાજપ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને બહુજન મુક્તિ પાર્ટીને તેમના ચુંટણી પ્રતિક પક્ષ દ્વારા ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે પાંચ અપક્ષ ઉમેદવારોને બપોર બાદ તેમના મન ગમતા ચૂંટણી પ્રતિકો ફાળવવામાં આવશે. સાથો સાથ નવે નવ ઉમેદવારના ક્રમ પ્રમાણે યાદી તૈયાર કરી બેલેટ પેપર છપાવવાનો સાંજ સુધીમાં જ ઓર્ડર આપી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.