આપણું ગુજરાતકચ્છ

કચ્છમાં આફતનો વરસાદ: અતિવૃષ્ટિના એંધાણ

ભુજ: ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન પર સર્જાયેલા હવાના હળવા દબાણને લઈને ગુજરાતમાં સર્વત્ર બારેમેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છમાં પણ જન્માષ્ટમીના દિવસથી જાણે આફતનો વરસાદ વરસવાનો હોય તવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

પરિસ્થિતિની ગંભીરતા એટલી છે કે જિલ્લા કલેકટર અમિત અરોરાએ જાતે સોશિયલ મીડિયા પર ભારે વરસાદની ચેતવણી આપીને લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. કચ્છમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે એનડીઆરએફની એક ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ખાસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે જેથી જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી વાહન વ્યવહારને કોઈ અડચણ નડે નહિ.
દરમ્યાન, સૈરાષ્ટ્રં-ગુજરાત અને કચ્છમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પુષ્કળ પ્રમાણમાં આભમાંથી પાણી વરસી રહ્યું છે તેની પાછળ ત્રણ દિશામાંથી એકઠો થઇ રહેલો ભેજ અને વધતું તાપમાન હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ સિસ્ટમ આજે સાંજના સુમારે કચ્છથી હજુ આશરે ૨૦૦ કિલોમીટર દૂર હોવા છતાં અત્યારથી જ આ રણપ્રદેશમાં વરસાદનું પ્રમાણ ક્રમશ વધી રહ્યું છે જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી જાય છે.

કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ રાત્રિથી જ સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે જે આજે પણ આખો દિવસ ચાલુ રહેવા પામ્યાં છે.
મામલતદાર અને તલાટી જેવા સરકારી અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા આદેશો અપાયા છે.
દરમ્યાન, આજે નખત્રાણા ખાતે અંદાજે દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેથી શહેર જળ બમ્બાકાર થઇ જવા પામ્યું છે. નખત્રાણાની મુખ્ય બજારના વિસ્તારમાં કોઈ નદી ગાંડીતુર થવા લાગી હોય તેમ પાણી વહેવા લાગ્યું હતું અને તેના પ્રવાહમાં એક બેલેનો કાર તણાઈ જવા પામી છે. જયારે કોટડા-રોહાપાસેના નરેડી ગામમાં યક્ષ નદીના પાણી અચાનક લોકોના ઘરોમાં ઘુસી જતાં ઘરવખરી તણાઈ જવા પામી હતી જો કે, સદ્ભાગ્યે જાનહાનિના વાવડ હજુ મળતા નથી.
અત્યારસુધી મળેલી માહિતી પ્રમાણે બંદરીય શહેર માંડવીમાં પાંચ ઇંચ, રાપરમાં ચાર ઇંચ, ભચાઉમાં ત્રણ ઇંચ જયારે ભુજ,ગાંધીધામ,અંજાર,મુંદરા ખાતે બેથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દરમ્યાન,ગુજરાતના ડેનમાર્ક ગણાતાં કચ્છના બન્ની-ખાવડા પંથકમાં પણ ભારે વરસાદ થતાં કચ્છના રણમાં પાણી ભરાયાં છે અને રણ દરિયા જેવું લાગી રહ્યું હોવાનું બન્નીના માલધારીઓએ જણાવ્યું હતું. એક શક્યતા એવી પણ છે કે,પાકિસ્તાનમાં થયેલા ભારે વરસાદના પાણી કચ્છના રણમાં ઘુસી આવ્યાં છે. આવી પરિસ્થિતિના પગલે કચ્છનું સફેદ રણ જાણે ગાયબ થઇ જવા પામ્યું છે અને આ સફેદ રણને બદલે અહીં દરિયાના મોજાં ઉછળી રહ્યાં છે!.
હજુ વરસાદ ઘેરાયેલો હોઈ, રાત્રી દરમ્યાન વધુ વરસાદની શક્યતા ઉભી થવા પામી છે.

આજે દિવસભર રહેલા વરસાદી માહોલને પગલે ભુજના હમીરસર તળાવના કાંઠે યોજાતો બે દિવસીય સાતમ-આઠમનો મેળો, આઠમના દિવસે જ સંપૂર્ણપણે ધોવાઈ જવા પામ્યો છે અને ધંધાર્થીઓએ પોતાના સ્ટોલને વરસાદથી બચાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા. ભુજના આ ભાતીગળ લોકમેળામાં આમતો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આવે છે પણ સતત વરસતા વરસાદને લઈને આજે આઠમના મેળામાં ગ્રામ્ય જનતા આવી શકી ન હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…