આપણું ગુજરાત

વડોદરામાં બીએસએનએલના કર્મચારીઓના સ્વાંગમાં કેબલ ચોરી કરતી ગેંગ પકડાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા શહેરમાં બીએસએનએલના કર્મચારીઓના સ્વાંગમાં કેબલ ચોરી કરતી રાષ્ટ્રવ્યાપી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે શહેરના કારેલીબાગ વિસ્તારના જેસીબી, ક્રેઇન, ટેમ્પો જેવા સાધનો સજજ અદ્દલ બીએસએનએલના કર્મચારીની માફક કામગીરી કરતી ટોળકી ચોરી કરતી હોવાની જાણ થતા છાપો મારીને આઠ લોકોને ઝડપી પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જાહેર રસ્તા પર શનિવારે રાતના સમયે બીએસએનએલનું કામકાજ ચાલી રહ્યું હતુ. મુખ્ય માર્ગ પર કેબલનું કામકાજ ચાલતું હોવાના નોટિસના પાટિયા પણ લગાવવામાં આવ્યા હતા.

દરમિયાન આ ટોળકી શંકાસ્પદ હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોતાં સ્થળ પર કામ કરી રહેલા ૧૫ થી ૨૦ પૈકીના કેટલાક નાસી છૂટયા હતા.

જ્યારે આઠ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલા વડોદરાના સોમાતલાવડી પાસે રહેતા પ્રીતેશ વણઝારા, નટુ વણઝારા ઉપરાંત બિહાર અને રાજસ્થાનના તથા ઉત્તર પ્રદેશના શખ્સોની પૂછપરછ કરતાં તેઓ બીએસએનએલનું નેટવર્ક ખોદી કાઢીને તેના વાયરોની ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું. તેમનો મુખ્ય સૂત્રધાર દિલ્હીમાં હોવાનું જણાવ્યું હતું.
ખોદકામથી લઇને વાયરોની હેરાફેરી માટે તમામ પ્રકારના વાહનો તૈનાત રાખવામાં આવ્યા હતા. તેમની પાસેથી જેસીબી, ક્રેઇન, ટેમ્પો સહિત સાધનસામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત પચાસ લાખની કિંમતના ચોરી કરેલા કેબલ મળી અંદાજે રૂ. દોઢ કરોડના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત