‘ટીમ ગુજરાત’ કાર્યરત: નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, રીવાબા સહિતના પ્રધાનોએ સંભાળ્યો ચાર્જ…

અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણ બાદ ધનતેરસના શુભ દિવસે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, રીવાબા જાડેજા, કૌશિક વેકરીયા સહિતના પ્રધાનોએ ઓફિસમાં પૂજા વિધિ કરીને પદભાર સંભાળ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિજય મુહૂર્તમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે તેમના કાર્યાલયનો પદભાર સંભાળી લીધો હતો. સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નાયબ મુખ્ય પ્રધાન તરીકે તેમને ચેમ્બર ફાળવવામાં આવી છે.
પદભાર ગ્રહણ કરતા પહેલા હર્ષ સંઘવીએ વિધિવત રીતે પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર બાદ તેમણે નાયબ મુખ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો, સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
જામનગર ઉત્તરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન રીવાબા જાડેજાએ પોતાની ઓફિસમાં દીકરી નિધ્યાનાબા સાથે પૂજા-અર્ચના કરી મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીના ધારાસભ્ય અને કાયદા અને ન્યાય તંત્ર વિભાગના રાજ્ય પ્રધાન કૌશિક વેકરિયાએ પ્રધાન તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ નવા સચિવાલય સ્થિત કાયદા અને ન્યાય તંત્ર વિભાગની મુલાકાત લીધી હતી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પ્રધાન પ્રવીણ માળીએ ચાર્જ સંભાળતા પહેલા અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને રાજ્યના ઉત્તમ વહીવટ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પ્રધાન પ્રવીણ માળીએ ચાર્જ સંભાળ્યો હતો.
આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે અને શ્રમ અને રોજગાર પ્રધાન કાંતિ અમૃતિયાએ પણ વિજય મુહૂર્તમાં પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળીને પોતાના કાર્યની શરુઆત કરી હતી. કનુ દેસાઈએ પણ વિજય મુહૂર્તમાં પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રદ્યુમન વાજા, રમણભાઈ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયાએ પણ ચાર્જ સંભાળી લીધો હતો.
આ પણ વાંચો…40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત?