આપણું ગુજરાતટોપ ન્યૂઝ

BZ Scam: ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ ફાઈલ, 6,866 રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી…

અમદાવાદઃ ગુજરાતના સૌથી ચર્ચિત બીઝેડ કૌભાંડ(BZ Scam)મામલે સીઆઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પુરવણી ચાર્જશીટ સબમિટ કરી હતી.સીઆઈડી ક્રાઈમ પોલીસ મથક ગાંધીનગર ખાતે નોંધાયેલી ફરિયાદને આધારે ભૂપેન્દ્ર ઝાલા પહેલા પકડાયેલા 07 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કુલ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે ભુપેન્દ્ર ઝાલા સામે 250 પેજની પુરવણી ચાર્જશીટ પણ ફાઇલ કરી હતી.

રણવીર સિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી

ચાર્જશીટ બાદ મોટા ભાગના આરોપીઓએ જામીન અરજી મૂકી હતી જે પૈકી અત્યાર સુધીમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિશાલસિંહ ઝાલા, દિલિપ સિંહ સોલંકી, આશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ કુમાર રાઠોડ, રણવીર સિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી હતી. બીઝેડ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં 11,183 રોકાણકારોનું કુલ 423 કરોડ જેટલા રોકાણનો ખુલાસો થયો છે. આ રોકાણ અને રોકાણકારો પૈકી 6,866 રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી છે.

રોકાણકારોને છેતર્યા હોવાનો સીઆઈડી દ્વારા આરોપ

બીઝેડ ગ્રુપ સામે સરકારની મંજૂરી વગર પૈસા ઉઘરાવી રોકાણકારોને છેતર્યા હોવાનો સીઆઈડી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. પાછલા વર્ષોમાં કુલ 11,183 રોકાણકારો પાસેથી યેનકેન પ્રકારે ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા લીધા હતા. રાજ્યમાં બીઝેડની જુદી જુદી 18 બ્રાંચથી કામગીરી ચાલતી હતી જેમાં 51 કર્મચારીઓ કામ કરતા હતા. તપાસ સંસ્થા દ્વારા સમગ્ર કેસમાં કુલ 727 સાહેદો (સાક્ષી) દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : BZ Group scam: મુખ્ય આરોપીના વખાણ કરતો સ્થાનિક વિધાનસભ્યનો વીડિયો વાયરલ

આગામી દિવસોમાં ચાર્જફ્રેમ કરી કાર્યવાહી હાથ ધરાશે

બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારોને અને એજન્ટોને મોંઘાદાટ મોબાઈલ, વિદેશ યાત્રા સહિતની લાલચ આપવામાં આવતી હતી. કુલ 11,183 રોકાણકારોમાંથી 6866 રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી હોવાનો પણ સીઆઈડી ક્રાઈમે ખુલાસો કર્યો છે. હજુ પણ કેસને લગતા કેટલાક લોકો ફરાર હોવાનો બીઝેડ ક્રાઈમ દ્વારા ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે આગામી દિવસોમાં ચાર્જફ્રેમ કરી કાર્યવાહી હાથ ધરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button