BZ Scam: સીઆઈડીની ટીમે હિંમતનગરમાં મોબાઇલ શોપમાં કરી તપાસ

હિંમતનગરઃ ગુજરાતમાં બીઝેડ કૌભાંડ (BZ Scam) મામલે સીઆઈડીએ તપાસ તેજ કરી દીધી છે. બુધવારે સીઆઈડીની એક ટીમે સાબરકાંઠાના હિંમતનગરમાં મોબાઈલ શોપમાં (mobile shop) તપાસ કરી હતી. જ્યાં આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (bhupendrasinh zala) તથા અન્ય સાગરિતોને ભેટમાં અપાયેલા 30થી વધુ મોબાઈલ ફોનની વિગતો મેળવી હતી.
આ પણ વાંચો: પાટણ બાદ હિંમતનગરમાં બાળ તસ્કરીનો મામલોઃ પરિવારે કોર્ટમાં કરવી પડી અપીલ
સીઆઈડીની તપાસમાં આઈએમઈઆઈ નંબરને આધારે ખરીદવામાં આવેલા મોબાઈલના બીલની વિગતો અધુરી હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાએ કેટલાક મોબાઇલ હિંમતનગરથી તથા મોડાસાની એક મોબાઇલ શોપમાંથી ખરીદ્યા હોવાની વિગતો મેળવીને અધિકારીઓ ગાંધીનગર પરત જતા રહ્યા હતા.
બ્રાન્ડેડ અને ટોપ મોડલના અંદાજે 20 લાખથી વધુના મોબાઇલની ખરીદી
સુત્રોના જણાવ્યા પ્રમાણે બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમોમાં રોકાણ કરાવવા માટે કેટલાક એજન્ટો અને ખાસ વિશ્વાસુ મળતિયાઓને હિંમતનગરના ખેડ તસીયા રોડ પર સ્થિત એક મોબાઇલ શોપમાંથી મોંઘા મોબાઇલ ખરીદીને ભેટમાં આપ્યા હતા. આ ઉપરાંત મોડાસામાંથી પણ મોટા પ્રમાણમાં મોબાઇલની ખરીદી થઈ હોવાનું સીઆઈડીને જાણવા મળ્યું હતું. હિંમતનગરની મોબાઈલ શોપમાંથી 30થી વધુ મોબાઇલની ખરીદી થઇ હતી. જેમાં બ્રાન્ડેડ અને ટોપ મોડલના અંદાજે 20 લાખથી વધુના મોબાઇલની ખરીદી કરી હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.