ગુજરાતમાં હવે કડી અને વિસાવદરની બેઠક બનશે ‘કુરુક્ષેત્ર’: 2 બેઠક માટે અનેક દાવેદારો મેદાનમાં

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી જે બેઠકો પર ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હતી તે વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર 19મી જૂનમાં મતદાન અને 23 જૂનના મતગણતરી હાથ ધરાશે. આ બંને બેઠકો પર ભારે રસ્સાકસી જોવા મળવાની છે.
વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક આમ આદમી પાર્ટી પાસે જ હતી પરંતુ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ત્યારબાદ આ બેઠક ફરીથી હાંસલ કરવા માટે આપ ખૂબ જ મહેનત કરી રહી છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા મહિનાઓમાં ભેસાણ, વિસાવદરના ગામડાઓમાં સભાઓને સંબોધી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ પ્રચારમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ‘બાપુ’ની એન્ટ્રી: રાજકારણમાં ગરમાવો
ભાજપે નેતાઓને સોંપી તૈયારી
ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર ચૂંટણી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. જો કે કોંગ્રેસ કે ભાજપ તરફથી સત્તાવાર રીતે આ બેઠક પર ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ બંને પાર્ટીઓએ તૈયારીઓ તો આદરી દીધી છે. ભાજપે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે વિધાનસભા ચૂંટણી પ્રભારી તેમજ ચૂંટણી સંયોજક-સહ સંયોજકની નિમણુંક કરવામાં આવી છે. પ્રભારી તરીકેની જવાબદારી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા અને રાજકોટના પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને સોંપવામાં આવી છે. તેમજ જુનાગઢ પૂર્વ જીલ્લા ઉપપ્રમુખ ભરત વડાલીયાને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. જુનાગઢ પૂર્વ જીલ્લા મંત્રી નરેન્દ્ર કોટીલાને સહ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસે એકલા હાથે લડશે ચૂંટણી
આ બેઠક પર ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન રહે તેવી અટકળો હતી અને આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ આ બેઠક પર ઉમેદવાર નહિ ઉતારે પરંતુ કોંગ્રેસે વિસાવદર બેઠક પર આપ-કોંગ્રેસના ગઠબંધન પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું અને ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે બંને બેઠકો માટેની જવાબદારીઓ પણ પાર્ટીના નેતાઓને સોંપી છે. વિસાવદર બેઠક માટે પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પુજા વંશ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠીયા તેમજ કડી બેઠક માટે લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય અને દંડક કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ: વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત; જાણો સંપૂર્ણ કાર્યક્રમ
શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ત્યારબાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને વડા શંકરસિંહ વાઘેલા “બાપુ”એ પણ ઝંપલાવ્યું હતું અને વિસાવદરમાં તેમને સભાને પણ સંબોધી હતી.
શા માટે ખાલી પડી હતી બેઠક
ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક પર ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. જોકે, હર્ષદ રીબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણી પ્રક્રિયા માટેનો માર્ગ સાફ થયો હતો. કડી બેઠક ધારાસભ્ય કરશન સોલંકીના અવસાનના કારણે ખાલી પડી હતી. અંતે ગઇકાલે ચૂંટણી પંચે 4 રાજ્યોની 5 વિધાનસભાની બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી હતી.