ગુજરાતમાં દશેરાની ભવ્ય ઉજવણી: સુરતમાં 70 ફૂટના મહાકાય રાવણનું દહન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં દશેરાની ભવ્ય ઉજવણી: સુરતમાં 70 ફૂટના મહાકાય રાવણનું દહન

અમદાવાદ, રાજકોટ, નડિયાદ અને ગાંધીનગરમાં પણ રાવણ દહનના કાર્યક્રમો, વડોદરામાં વરસાદ વિલન બન્યો

ગાંધીનગર/સુરત/અમદાવાદઃ વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ રાવણદહનના કાર્યક્રમો ઉત્સાહ સહિત શાંતિપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં સુરતમાં સૌથી મોટા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા સહિત અન્ય શહેરોમાં વરસાદના વિઘ્નને કારણે કાર્યક્રમો યોજાઈ શક્યા નહોતા.

સુરતમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 70 ફૂંટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળા બનાવવા માટે મથુરાથી ટીમ બોલાવવામાં આવી હતી. છેલ્લા 49 વર્ષથી મથુરાની એક જ ટીમ દ્વારા રાવણ તૈયાર કરવામાં આવે છે. રાવણનું પૂતળું બનાવવા 40 દિવસ જેટલો સમય લાગ્યો હતો. અંદાજીત 40 મિનિટ સુધી આતશબાજીનો નજારો નીહાળ્યો હતો.

આ પણ વાંચો: બોલો, 22 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ, ને 13.5 ટન વજનનો રાવણ, જાણો ક્યાં થશે દહન?

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે 45 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આ રાવણ દહન જોવા માટે આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દહન સમયે જો કોઈ દુર્ઘટના થાય તેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમો પણ તહેનાત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

નડિયાદમાં દશેરાના પવિત્ર અવસરે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દશાનન (રાવણ) દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સામાન્ય વરસાદ હોવા છતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ વર્ષે વિશેષરૂપે 51 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને 500 કિલોથી વધુ દારૂખાનાનો ઉપયોગ કરીને પ્રગટાવવામાં આવ્યું હતું. રાવણ દહનના આ આકર્ષક દૃશ્યએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન કરાયું હતું.

આ પણ વાંચો: અયોધ્યામાં 240 ફૂટના રાવણના પૂતળા દહન પર પ્રતિબંધ મુકાયો

ભાવનગરમાં બે સ્થળોએ રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે તેમ જ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાન ખાતે રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિજયા દશમી દશેરાના દિવસે પરંપરાગત રીતે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરાયું હતું. વડોદરામાં વરસાદ પડતાં રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે મેદાનમાં કાદવ કીચડ થતાં આયોજકોએ નિર્ણય કર્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button