બુલેટટ્રેન સરસરાટઃ આ મહત્વનું કામ થયું પૂરું
અમદાવાદઃ લોકો જેની રાહ જોઈ રહ્યા છે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે કામકાજ માટે અવરજવર કરનારા માટે જે આશીર્વાદ સાબિત થઈ શકે તેમ છે તેવી બુલેટ ટ્રેનનું એક મહત્વનું કામ પૂરું થયું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક નદી પર પુલ બાંધવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. કોલાક નદી પરનો આ પુલ એન્જિનિયરિંગની દૃષ્ટિએ પણ મહત્વનો છે. આ પુલની લંબાઈ 160 મીટર જેટલી છે અને પ્રત્યેક 40 મીટરે 4 ફૂલ સ્પાન ગર્ડર મુક્યા છે. થાંભલાની ઉંચાઈ 14 મીટરથી 23 મીટરની ઉંચાઈ ધરાવે છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો સમાવેશ થાય છે. આ નદી વાલ્વેરી નજીક સાપુતારાની ટેકરીઓમાંથી પસાર થાય છે અને અરબ સમુદ્રમાં મળે છે. કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિમી દૂર છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂપિયા 1,08,000 કરોડના ખર્ચે મંજૂર થયો છે. અગાઉ રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફેર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં 290.64 કિમીમાં પિઅર ફઉન્ડેશન, 267.48 કિમીમાં પિઅર કન્સ્ટ્રક્શન, 150.97 કિમીમાં ગર્ડર કાસ્ટિંગ અને 119 કિમીમાં ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થયું છે.
તેમણે 2026માં બુલેટ ટ્રેન લોકો માટે દોડતી થશે તેમ પણ જણાવ્યું હતું.