અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર ફર્યું બુલડોઝર; 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓનો આરોપ હતો કે, કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અમદાવાદ મનપાના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઉભા થઈ ગયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત 20 જાન્યુઆરીના રોજ ઓઢવની રબારી વસાહત સહિત અનેક ઠેકાણે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1833 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
Also read:ભુજમાં નડતરરૂપ દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએપોતાના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ગેરકાયદે વસવાટ નથી કરતા. અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહેવાનો ટેક્સ ભરીએ છીએ અને લાઈટ બિલ ભરીએ છીએ.
રોટલાના પણ ફાંફાવહીવટી તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. માત્ર રાતે કહી ગયા અને સવારે તો બુલડોઝર લઈને આવી ગયા હતા, હાલ અમે રોડ પર આવી ગયા છીએ. અમે જ્યાં-ત્યાં રોડ પર સામાન રાખીને રહીએ છીએ. અમારા માટે રહેવાનું તો ઠીક હવે તો રોટલાના પણ ફાંફા પડી ગયા છે.
ઈસુદાન ગઢવીએ કર્યા આરોપ આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ફક્ત એક દિવસની નોટિસમાં રાતોરાત એક જ દિવસમાં મકાનો તોડી પાડવામાં આવે છે. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે તેમના પર બુલડોઝર નથી ચાલતા. આવા ગેરકાયદેસર રીતે સરકારે અને મ્યુનિસિપાલ્ટીએ કામ કર્યું છે, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.