આપણું ગુજરાત

બાપુનગરમાં આવેલી મસ્જિદના ગેરકાયદે ભાગ પર બુલડોઝર ચલાવાયું

અમદાવાદ: રાજકોટની TRP ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સરકાર એક્શન મોડમાં છે અને જેને પગલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. શહેરના બાપુનગરમાં ગરીબ ચાર રસ્તા પાસે આવેલ મદીના મસ્જિદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા વધારાનું બાંધકામ ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદના બાપુનગરના ગરીબ ચાર રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી. હાલ AMCના એસ્ટેટ વિભાગને BU અને NOC ન હોય તેવા ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન મદીના મસ્જિદમાં વધારાનું ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાંધકામ પાડી નાખવામાં આવ્યું હતું.

જો કે આ બનાવ અંગે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની કામગીરીને લઈને આક્ષેપો કરતાં કહ્યું હતું કે રખિયાલ પાસે મદીના મસ્જિદ આવેલી છે અને તે ખાનગી ટ્રસ્ટની પોતાના માલિકીના પ્લોટમાં બનાવવામાં આવેલી છે. જો કે હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મસ્જિદ ગેરકાયદેસર ભાગને જ પાડવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. શહેરના અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો આવેલા છે, અમે તેની યાદી મ્યુનિસિપલ કમિશનરને આપીશું. આવા કોઈ ગેરકાયદેસર બાંધકામોને જેસીબી લઈને અધિકારીઓને તોડવા નથી જતાં પણ મસ્જિદો તોડવામાં આવી રહી છે. અનેક અને ઉદ્યોગપતિના ફાર્મ હાઉસ ગેરકાયદેસર બની શકે છે પરંતુ ત્યાં કોઈ અધિકારી જશે નહિ.

આ મામલે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસપિલ કમિશનરે જણાવ્યું હતું કે બાપુનગરના ગરીબ નગર ચાર રસ્તા પાસે આવેલી મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ હતું અને તેને આજે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મદીના મસ્જિદના ઉપરના માલ ગેરકાયદેસર છે. આ મસ્જિદ પાસે ઉપરના માલની BU પરમીશન નહોતી, માત્ર નીચેના ભાગની પરમીશન હતી. ગેરકાયદેસર બાંધકામને વારંવાર નોટિસ આપવામાં આવેલી અને બે વખત સીલ પણ મારવામાં આવેલું. તેમ છતાં બાંધકામ થતાં આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાડી દેવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button