ગુજરાતને ફાઈવ-જી બનાવવાનું પ્રતિબિંબ બજેટમાં ઝીલાયું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ૫-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતું ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ છે એવું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાં પ્રધાને રજૂ કરેલા ગુજરાત સરકારના બજેટને આવકારતા કહ્યું હતું.
મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, પોષણ-આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે ત્રણ નવી યોજનાઓ: નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, નમોશ્રી યોજનાનો સમાવેશ થાય છે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ઐતિહાસિક ૩ લાખ કરોડના બજેટમાં આ વર્ષે ૧૦ ટકાનો વધારો કરી ૩ લાખ ૩૨ હજાર કરોડનું માતબર બજેટ જનતાની સેવામાં આપ્યું છે. વિશ્ર્વનો સૌથી લાંબો ૩૮ કિલોમીટરનો સળંગ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ-ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાયસિટી તરીકે આગવી ઓળખનું સીમાચિન્હ બનશે. પાછલા એક દાયકામાં જી.એસ.ડી.પી.નું ૧૫ ટકા દેવું ધરાવતું ગુજરાત સૌથી ઓછું દેવું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં સ્થાન પામ્યું છે. ગુજરાતે નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એવું તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવીને તેને આવકારતા જણાવ્યું હતું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે.
રાજ્ય સરકારને જી.એસ.ડી.પી.ના ૨૭ ટકા સુધી દેવું વધારવા માટે છૂટ આપેલી છે. આમ છતાં ગુજરાત સરકારે માત્ર ૧૫.૧૭ ટકાનો જ ઉપયોગ કર્યો છે. દેશના ૨૧ રાજ્યોમાં આ આંકડો ૨૭ ટકાથી વધારે છે, ત્યારે ગુજરાતે નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
૫-જી ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતાં સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે, તેને તેમણે આવકાર્યું હતું.