Top Newsઆપણું ગુજરાત

ગુજરાત માટે મહત્વના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બજેટમાં શું કરાઈ મહત્વની જાહેરાત?

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં પોતાનું નવમું બજેટ રજૂ કરતા ભારતની આર્થિક ગતિને વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરી હતી. નાણા પ્રધાને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રોજગાર સર્જન અને કૃષિ ઉત્પાદકતા વધારવા પર વિશેષ ભાર મૂકી રહી છે, જેના પરિણામે દેશે આશરે ૭ ટકાનો ઊંચો વિકાસ દર હાંસલ કર્યો છે. આર્થિક વિકાસને વધુ ટકાઉ બનાવવા માટે તેમણે છ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં હસ્તક્ષેપનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન અને જૂના ઔદ્યોગિક ક્ષેત્રોના કાયાકલ્પનો સમાવેશ થાય છે.

ગુજરાત માટે જે અત્યંત મહત્વનું છે તેવા ટેક્સટાઇલ સેક્ટર માટે બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણા પ્રધાને કાપડ ઉદ્યોગમાં રોજગારી વધારવા માટે ‘ટેક્સટાઇલ લેબર ઇન્સેન્ટિવ સ્કીમ’ (Textile Labor Incentive Scheme) અને હસ્તકલાના વિકાસ માટે ‘નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દેશમાં ‘ચેલેન્જ મોડ’ હેઠળ નવા મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે રોજગારી પૂરી પાડતા ખાદી અને હસ્તશિલ્પ ઉદ્યોગને વધુ મજબૂત કરવા માટે ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ’ શરૂ કરવામાં આવશે, જેનો સીધો લાભ ગુજરાતના ગ્રામીણ કારીગરોને મળશે.

આ પણ વાંચો…બજેટ રજૂ થાય એ પહેલાં જ ઝટકો! LPG સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો, જાણો નવા ભાવ…

આ ઉપરાંત આગામી વર્ષોમાં MSMEs ને ‘ચેમ્પિયન’ બનાવવાના લક્ષ્ય સાથે, ટેક્સટાઇલ ક્ષેત્રે કાર્યરત નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવી પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બજેટમાં ૨ નવા હાઈટેક ટૂલ રૂમ બનાવવાની જાહેરાત સાથે ટેક્નોલોજીકલ અપગ્રેડેશન પર ભાર મુકાયો છે. આ નવી યોજનાઓ અને મેગા પાર્કના નિર્માણથી ગુજરાતના સુરત અને અમદાવાદ જેવા ટેક્સટાઇલ હબમાં નિકાસ વધશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કાપડની સ્પર્ધાત્મકતામાં વધારો થશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button