રાજ્યમાં સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને કરવામાં આવશે પહોળા: સરકારે 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા…
ગાંધીનગર: રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે રાજ્ય સરકારે 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ પણ વાંચો :ગાંધીનગર સહિત રાજ્યનાં ત્રણ વીજ મથકોમાં થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી
માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે.
રાજ્ય સરકારે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુસર આ 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે.