Chotila અને હબીયાસર ગામને જોડતો પુલ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો

અમદાવાદ : ગુજરાત સતત વરસી રહેલા વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે અનેક સ્ટેટ હાઇવે અને રોડ ધોવાઈ ગયા છે. તેવા સમયે મળતી માહિતી મુજબ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા(Chotila)અને હબીયાસર ગામને જોડતો પુલ થયો ધરાશાયી થયો છે. જો કે આ પુલ પર વાહન વ્યવહાર બંધ કર્યો હોવાથી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત ભારે વરસાદના પગલે ઝુંપડા, નાનીયાણી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ભીમગઢનું તળાવ તૂટયું
જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીના ગરકાવ થયા છે. તેમજ સુરેન્દ્રનગરના ચોટીલામાં 9 કરોડના ખર્ચે બનાવામાં આવેલું ભીમગઢનું તળાવ તૂટયું છે. ચોટીલામાં સતત વરસાદના પગલે તળાવ તૂટયું છે. આ તળાવ તૂટતા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં અનેક ગામને જોડતા માર્ગ બંધ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી
આ દરમ્યાન ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા,આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.