બ્રેકિંગઃ અમદાવાદમાં કોરોનાને કારણે વૃદ્ધાનું મોત

ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં કેરળથી લઈને ગુજરાતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારા સાથે આજે ગુજરાતમાં કોરોનાથી વૃદ્ધ મહિલાનો ભોગ લેવાયો છે, તેનાથી અમદાવાદમાં કુલ 35 એક્ટિવ કેસ થયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસના વધારા સાથે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. 82 વર્ષના વૃદ્ધા દરિયાપુરના રહેવાસી છે. કોરોનાને કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ એક કરતા વધુ બીમારીઓથી પીડાતા હતા. કોરોનાના નવા કેસમાં વધારાને કારણે અમદાવાદનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે, જ્યાં આજે બે નવા કેસ (સરખેજ અને રાણીપ) નોંધાયા છે. સિંગાપોરથી પરત ફર્યા પછી એક વ્યક્તિને કોવિડ-19થી પોઝિટિવ આવ્યો છે, જ્યારે કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે. આ અગાઉ અમદાવાદમાં કોરોનાના અગિયાર કેસ હતા, જેમાં સાત પુરુષ અને ચાર મહિલા દર્દી હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશમાં 24 કલાકમાં કોરોનાથી ત્રણનાં મોત થયા હતા, જ્યારે 412 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં કોરોનાથી 293 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4,170 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં 24 કલાકમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ જેએન1 કુલ 116 નવા કેસ નોંધાયા છે.
કોરોનાને કારણે ક્રિસમસ અને વીકએન્ડને કારણે પ્રવાસન સ્થળો પર લોકોએ દોડી જવાનું મુશ્કેલી નોતરી શકે છે. જાહેર સ્થળોની સાથે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ લોકોને માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે.