બ્રેકિંગ: ગુજરાતમાં લોકસભાની આ 3 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર, જાણો વિગત
છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આતુરતાનો આજે અંત આવ્યો છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની સુરેન્દ્રનગર, જુનાગઢ અને વડોદરા સીટ પર તેના ઉમેદવારો જાહેર કરતા લાંબા સમયથી થઈ રહેલી અટકળોનો અંત આવ્યો છે.
કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેકશન કમિટીની બેઠકમાં ગુજરાતની 7 સહિત અન્ય રાજયોની કેટલીક બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે મનોમંથન ચાલી રહ્યું હતું. જેમાંથી ગુજરાતની ત્રણ સીટો જેવી કે સુરેન્દ્રનગર બેઠક માટે ઋત્વિકભાઈ મકવાણા, જુનાગઢ સીટ માટે હીરાભાઈ જોટવા અને વડોદરા સીટ પર જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે.
અત્રે જણાવી દઈએ કે ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.જૂનાગઢ સીટ માટે જાહેર કરાયેલા હીરાભાઈ જોટવાએ ગઈ વિધાનસભા ચૂંટણી કેશોદ સીટ પરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમનો માત્ર 4208 મતથી પરાજય થયો હતો. વડોદરા સીટ પર જાહેર થયેલા ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર પણ ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પાદરા સીટ પર તેમનો ભાજપ સામે 6,178 મતથી હાર થઈ હતી.
ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના અત્યાર સુધી 17 અને આપ સાથેના ગઠબંધનના મળી કુલ 19 ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે કઈ 7 બેઠકના નામ છે બાકી હતા, તેમાંથી કોંગ્રેસે આજે વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હજુ 4 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાકી છે જેમાં મહેસાણા, રાજકોટ, નવસારી અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે.
અમદાવાદ પૂર્વમાં તો કોંગ્રેસ પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ તેમણે ટિકિટ લડવાનો ઈન્કાર કર્યો અને પછી કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું….જેના કારણે કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી કોઈ નવા ચહેરાની શોધમાં છે.