જેતપુરના ફનફેર મેળામાં ‘બ્રેક ડાન્સ’ રાઈડ તૂટી પડતાં હડકંપ! દિવાળીની મજા માણી રહેલું દંપતી ગંભીર ઈજાગ્રસ્ત…

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરમાં દિવાળીના તહેવાર દરમિયાન રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મેળાની મુખ્ય રાઈડ પૈકીની એક ‘બ્રેક ડાન્સ’ રાઈડ અચાનક તૂટી પડતા મેળામાં હાજર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, જેતપુરમાં દિવાળીના તહેવાર દરમિયાન રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાલુ મેળા દરમિયાન 24 તારીખના રોજ રાત્રિના સમયે ‘બ્રેક ડાન્સ’ રાઈડ અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટના પાછળ રાઈડ્સ સંચાલકોની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. આ જોખમી રાઈડ્સ માટે સ્થાનિક તંત્ર પાસેથી પૂરતી અને માન્ય સલામતી મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, તે અંગે મોટો સવાલ ઊભો થયો છે. નિયમોની અવગણના કરીને રાઈડ ઓપરેટ કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત દંપતીના પરિજનોએ રાઈડ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
દુર્ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક પગલાં ભરીને સમગ્ર ફનફેર મેળાને સુરક્ષાના કારણોસર બંધ કરાવી દીધો છે. પોલીસે તૂટેલી રાઈડનું પંચનામું કરવાની સાથે જ રાઈડ્સ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં હવે રાઈડ્સની જાળવણી અને સુરક્ષા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. આ દુર્ઘટના માટે જવાબદાર બેદરકાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.



