બૂથ સ્તરની જડબેસલાક રણનીતિ
લોકસભા-૨૦૨૪ ભાજપનું મનોમંથન શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીકના કોબા નજીકના ભાજપ કાર્યાલયમાં લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળી છે. ત્યારે કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે ઉધડો લીધો છે. જિલ્લા સંગઠન પદાધિકારીઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે.
કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે માત્ર ૨૬ બેઠક જીતવાની નથી. એકપણ બૂથમાં વિપક્ષ પ્લસ ના રહેવું જોઈએ. માત્ર પ્રયત્નથી નહીં ચાલે પરિણામ લાવો. ૧૫ હજારથી વધારે નેગેટિવ બેઠક પ્લસ કરવા ટકોર કરી છે. આચાર સંહિતા પહેલા તમામ લાભાર્થીઓનો સંપર્ક કરો. લાભાર્થીઓ, મતદાર યાદી આપી તેનું શું કર્યું છે. જેમાં ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ પડે એ પહેલા તમામ લાભાર્થીઓનો સંપર્ક કરો.
શુક્રવારથી શરૂ થતી મનોમંથન બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મહામંત્રી અરુણસિંગ, સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખ મહામંત્રી પ્રભારીઓ પ્રવક્તા સહ પ્રવક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ૩૦મી ડિસેમ્બરના રોજ પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક પણ બોલાવવામાં આવી છે.
લોકસભા ૨૦૨૪ને લઈને શરૂ કરવામાં આવેલી તૈયારીના ભાગરૂપે મળી રહેલી બેઠકમાં વિવિધ વિષયો પર મનોમંથન કરવામાં આવશે. જેમાં બૂથ સ્તરના કાર્યકરો સુધી પહોંચવા માટે વિવિધ કાર્યક્રમો અપાશે જેમાં ટિફિન બેઠકો, રાત્રિ બેઠક, પરબુદ્ધ નાગરિક સંમેલન સહિતની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની મહત્ત્વની બેઠક થઇ છે. પ્રદેશ, જિલ્લા ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તથા લોકોને ભાજપ તરફ કેવી રીતે પ્રેરિત કરવા અંગે માર્ગદર્શન અપાયું છે.