મોબાઈલ યુગમાં યુવાનોને પુસ્તકોનું આકર્ષણ: વાઇબ્રન્ટ ટ્રેડ શૉમાં ૪૦ હજાર પુસ્તકો વેચાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતી સાહિત્ય સહિતના પુસ્તકોનું વેચાણ અને વાંચન ઘટી રહ્યું છે
ત્યારે ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટ
ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉના પુસ્તક સ્ટોલ
પરથી ૪૦ હજારથી વધુ સાહિત્ય પુસ્તકો વેચાયાં છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ૨૦૨૪ માં પેવેલિયન ૧૧માં મુલાકાતીઓ માટે જ્ઞાન અને જાણકારીનો ભંડાર સાબિત થયો છે.
ટ્રેડ શોના અંતિમ દિવસે જ્ઞાનનું એ ટુ ઝેડ જોવા યુવાનો ભારે ઉત્સુક જોવા મળ્યા હતા. આ પેવેલિયનમાં નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપના માહિતીપ્રદ પ્રદર્શનનો મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો એમાં ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગરના સ્ટોલમાં યુવાનોએ પોતાના રસના વિષયનાં પુસ્તકો શોધવા ખૂબ રસ દાખવ્યો હતો.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત (કચ્છી) ઉર્દૂ
અને સિંધી ભાષાઓમાં વિવિધ પુસ્તકો ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપીને વેચાણ માટે રખાયાં હતાં.
સમગ્ર ટ્રેડ શૉ દરમિયાન ૧૨ હજારથી વધુ મુલાકાતીઓએ આ સ્ટોલની રસપ્રદ
મુલાકાત કરી અને ૪૦ હજારથી વધુ પુસ્તકોનું વેચાણ થયું હતું. દરેક પુસ્તક પર ૫૦
ટકા ડિસ્કાઉન્ટ હતું એટલે મૂળ રકમ જોઈએ તો ૮૦ હજારથી વધુ રકમનાં પુસ્તકો વેચાયાં હતાં.
આ સ્ટોલ પર આખો દિવસ સતત યુવાનોની અવરજવર હતી. નાનાં બાળકોથી માંડી વડીલો સુધી દરેકને પોતાના મનગમતાં પુસ્તકો હાથમાં લઇ આનંદની લાગણી થતી હતી. આ સ્ટોલની સજાવટ ધ્યાનાકર્શક હોવાથી બહોળી સંખ્યામાં ભાષાપ્રેમીઓ આને જિજ્ઞાસુ વાચકો આવ્યા હતા.