બેડ ફોર બોલીવૂડઃ ટૉપ ફાઈવ ઑપનિંગ લીસ્ટમાં એક પણ હિન્દી ફિલ્મ નથી
અમદાવાદઃ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ સલારએ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ સિનેમાઘરોમાં શાનદાર સમય પસાર કરી રહી છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મને બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ મળી છે. સલારની રીલિઝથી એસઆરકેની ડંકીને તો અસર થઈ છે, પણ બોલીવૂડને પણ વર્ષના અંતે એક ઝટકો લાગ્યો છે.
સલાર બાદ બોલીવૂડની એક માત્ર હિન્દી ફિલ્મે પણ ટૉપ ઑપનિંગની લીસ્ટમાંથી બહાર નીકળવું પડ્યું છે. જોકે ફિલ્મ પણ પ્રભાસની જ છે. ટી સિરિઝની આદિપુરુષ અગાઉ એકમાત્ર હિન્દી ફિલ્મ હતી જેને સારું ઑપનિંગ મળ્યું હતું. હવે બેસ્ટ ઑપનિંગ લિસ્ટમાં તમામ નોન-બોલીવૂડ ફિલ્મો છે. જેમાં RRR- રૂ. 224 કરોડ, બાહુબલી 2- રૂ. 215 કરોડ, સલાર- રૂ. 180 કરોડ, KGF 2- રૂ. 163 કરોડ, લિયો- રૂ. 149 કરોડનો સમાવેશ થાય છે.
આ યાદીની વિશેષતા એ છે કે આ પાંચ ફિલ્મો દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બની છે. જ્યારે RRR અને બાહુબલી 2 તેલુગુ ફિલ્મો છે, જ્યારે લિયો તમિલ ફિલ્મ છે. KGF 2 એ કન્નડ ફિલ્મ છે અને તેના નિર્માતાઓએ પણ સલાર બનાવી છે. જોકે, સલારના મામલામાં મૂંઝવણ છે. તેના નિર્માતા કન્નડ ફિલ્મ સાથે જોડાયેલા છે, પરંતુ તેમણે મૂળ તેલુગુમાં સલાર બનાવી છે અને તેને અન્ય ભાષાઓમાં ડબ કરી છે.
લિયોને છોડીને અન્ય ટોચની 4 ફિલ્મોની કમાણીમાં ફિલ્મોના હિન્દી વર્ઝનનો પણ નોંધપાત્ર ફાળો હતો. પરંતુ આ ટોપ 5 લિસ્ટમાં એક પણ બોલિવૂડ ફિલ્મ નથી, જેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. સલાર પહેલા, મુખ્ય ભૂમિકામાં પ્રભાસ સાથેની આદિપુરુષ આ યાદીમાં પાંચમા નંબરે હતી. આ ટી-સિરીઝની એક માત્ર બોલિવૂડ ફિલ્મ હતી જેણે પ્રથમ દિવસે વિશ્વભરમાં રૂ. 137 કરોડની કમાણી કરી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં પેન ઈન્ડિયા ફિલ્મ લોકપ્રિય બની છે, પરંતુ વિવિધ ઉદ્યોગો વચ્ચેની સ્પર્ધા કેટલી મજબૂત છે, તે જ્યારે બે અલગ-અલગ ઉદ્યોગોની બે મોટી ફિલ્મો માટે સ્ક્રીન શેર કરવાની વાત આવે છે ત્યારે સમજાય છે.
જોકે કોરોના બાદ બોલીવૂડની હાલત ઘણી કફોડી હતી પરંતુ પઠાણ, જવાન અને એનિમલ આ ત્રણે ઉપરાંત બ્રહ્માસ્ત્ર, ગદર-2, 12 ફેલ અને હવે ડંકી જેવી ફિલ્મોએ બોલીવૂડને જીવતું રાખ્યું છે. હવે વર્ષ 2024માં કોણ કેવી બાજી મારે છે તે આવનારો સમય બતાવશે.