અમેરિકાના વિઝા માટે બોગસ દસ્તાવેજો:મહેસાણાના યુવાન સહિત ચાર સામે ગુનો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના વિઝા મેળવવા માટે બોગસ દસ્તાવેજો કથિત રીતે રજૂ કરવા બદલ પોલીસે મહેસાણાના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. યુએસ કોન્સ્યુલેટની ફરિયાદને આધારે યુવાનને બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં મદદરૂપ થયેલા ત્રણ એજન્ટ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ગુજરાતના મહેસાણા જિલ્લાના બલોલ ગામે રહેતો નિરંજનકુમાર દશરથભાઈ પટેલ (36) વિઝા માટે સોમવારે બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના યુએસ કોન્સ્યુલેટમાં આવ્યો હતો. કોન્સ્યુલેટના અધિકારીને પટેલના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અમુક વિસંગતિ જણાઈ હતી.
આ પણ વાંચો : લગ્નની લાલચે કર્મચારી પર બળાત્કાર પ્રકરણે સ્પા માલિક વિરુદ્ધ ગુનો
તપાસ દરમિયાન અધિકારીને જાણવા મળ્યું હતું કે પટેલે અગાઉ કેનેડાના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ તે સમયે યુએસના બનાવટી વિઝા રજૂ કરવાને કારણે તેની અરજી કાઢી નાખવામાં આવી હતી. જોકે યુએસના વિઝા મેળવવા માટે પટેલે ફરી બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું.
આ બાબતે પટેલની પૂછપરછ કરવામાં આવતાં તેણે ત્રણ એજન્ટ સોનલ, ઉદય રાવલ અને પિયૂષ પટેલનાં નામ આપ્યાં હતાં. આ એજન્ટ્સે અમેરિકાના વિઝા મેળવવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરી હોવાનો દાવો તેણે કર્યો હતો, એવું બીકેસી પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે બીકેસી પોલીસે છેતરપિંડી અને ઠગાઈ સંબંધી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)