કચ્છમાં બૉગસ ડોક્ટરો પકડાવાનો સિલસિલો યથાવતઃ ફરી બે મુન્નાભાઈ ઝપેટમાં…
ભુજ: કચ્છમાં વીતેલા માત્ર એકાદ વર્ષમાં વગર ડીગ્રીએ દર્દીઓની ચાકરી કરતા ૪૦થી વધુ બોગસ તબીબો ઝડપાઇ ચુક્યા છે ત્યારે ગાંધીધામના મોડવદર ખાતે એક દુકાનમાં દવાખાનું ખોલીને લોકોની દવા કરતાં બે બોગસ તબીબોને સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી પાડ્યાં છે.
આ પણ વાંચો : સાવજ સુરક્ષાઃ ભાવનગરમાં ટ્રેન લોકો પાયલટની સતર્કતાને કારણે 8 સિંહના જીવ બચ્યાં
પૂર્વ બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડીને દુકાનમાં દવાખાનાના નામે હાટડી ચલાવી રહેલાં આંધ્રપ્રદેશ અને બંગાળના બે પરપ્રાંતીય શખ્સોને દબોચી લઈને તેમને કાયદાનું ઈન્જેક્શન આપ્યું છે.
પોલીસે લોકનાધામ ગોરકલા નામના તેલુગુ વ્યક્તિના દવાખાના પર દરોડો પાડી ૧૪ હજારની દવાઓ તથા તબીબી સાધનો જપ્ત કર્યાં છે. તો, નજીકમાં પ્રેક્ટિસ કરી રહેલાં અન્ય એક બંગાળી અચિન્તકુમાર બિરવાસને ૧૨ હજારની દવાઓ તથા તબીબી સાધનો સાથે જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ આફિસરની ટુકડીને સાથે રાખીને ધરપકડ કરી હતી અને બંને આરોપીઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૨૫ તથા મેડિકલ પ્રેક્ટિસનર એકટની કલમ ૩૩ મુજબ ગુનો નોંધાવી ગાંધીધામ પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :કછડો બારેમાસઃ ખુમારીથી મનભરીને જીવવા જાણીતા કચ્છીઓ કેમ બની રહ્યા છે આ રોગનો શિકાર!
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ ઉપરાંત મુંદરા, ખાવડા, અબડાસા સહિતના મથકોમાં પણ બોગસ તબીબોના હાટડા ધમધમી રહ્યા હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી. જો પૂર્વ કચ્છમાં પોલીસ સમયાંતરે બોગસ તબીબો સામે કાર્યવાહી કરતી હોય તો પશ્ચિમ કચ્છમાં કેમ પગલાં ભરવા નથી આવતા તેવો સવાલ ઉઠી રહ્યા છે.