PMJAY યોજનાનું કૌભાંડઃ 1,500 રુપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનો પર્દાફાશ, 6થી વધુની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં ગત મહિને 2 દર્દીના ખોટા ઓપરેશન બાદ થયેલા મોત બાદ હાલ કેસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોઈપણ વ્યક્તિનું પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. પાત્રતા ન ધરાવતાં હોય તેવા લોકો પાસેથી 1500થી 2000 રૂપિયા લઈને કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. આ મુદ્દે પોલીસે લગભગ છથી વધુ લોકોની ધરપકડ કરી હતી.
1500થી 2000 રૂપિયા વસૂલતા
કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂ. 1000 મળતા હતા. નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદાજુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો. આ ગ્રુપ મારફતે તે મોહમદ ફઝલ, મોહમ અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝના સંપર્કમાં આવ્યો હતો.
Also read :PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ
સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ
આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી વેબસાઈટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી કાર્ડ બનાવેલા હતા. નિમેષ ડોડીયા અને નરેન્દ્રસિંહ ગોહિલને આયુષમાન કાર્ડનું ઈ-કેવાયસી એપ્રુવ કરવા માટે એન્સર કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નિખિલ પારેખે ગેરકાયદે રીતે યુઝર આઈડી બનાવી આપ્યું હતું. જે પેટે તે માસિક 8 થી 10 હજાર રૂપિયા લેતો હતો.
ત્રણ હજારથી વધુ PMJAY કાર્ડ બનાવ્યાનો ઘટસ્ફોટ
ચિરાગ રાજપૂત નામ આપતો તેની ગણતરીની મિનોટમાં કાર્ડ બની જતું હતું. આ માટે આરોપીએ નામ સરખા હોય તેની સાથે ચેડાં કરી કાર્ડ બનાવતા હતા. નિમેશ અશફાક સહિતના આરોપીઓ કૌભાંડ આચરતા હતા. અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ પીએમજેએવાય કાર્ડ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. નકલી પીએમજેએવાય કાર્ડનો માત્ર અમદાવાદમાં જ ઉપયોગ થયો કે ગુજરાત, દેશમાં તેની ટેકનિકલ તપાસ પોલીસે હાથ ધરી છે.