આજે પશ્ર્ચિમ રેલવેમાં બ્લોક
મુંબઇ: રેલવેમાં રજાના દિવસે બ્લોક રાખીને ટ્રેકના સમારકામનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતી કાલે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ પશ્ર્ચિમ રેલવેમાં ટ્રેકના સમારકામ માટે સવારે ૧૦:૩૫ વાગ્યાથી બપોરે ૩:૩૫ સુધી અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર પાંચ કલાકનો જમ્બો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન તમામ ટ્રેનોને ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સ્લો લાઈનો પર દોડાવામાં આવશે તેમજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે.
પશ્ર્ચિમ રેલવેમાં ટિકીટ તપાસ દરમિયાન એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ટિકિટ તપાસ અભિયાન હેઠળ રૂ. ૮૧.૧૮ કરોડનો દંડ વસુલાયો હતો. જેમાં મુંબઈ ઝોનથી રૂ. ૨૦.૭૪ કરોડનો દંડ સામેલ છે. એસી લોકલ ટ્રેનમાં ૩૮ હજારથી વધુ પ્રવાસીઓ ટિકિટ વિના પ્રવાસ કરી રહ્યા હતા જેમની પાસેથી રૂ. ૧૨૬.૧૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જે ગયા વર્ષની તુલનામાં ૧૪૦ ટકા વધુ છે.
પશ્ર્ચિમ રેલવેમાં બાન્દ્રા નવપાડા ફૂટ ઓવરબ્રિજના પુન:નિર્માણ માટે એફઓબીને સાતમી ઓક્ટોબરથી ૪૫ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે.
તેવી જ રીતે પ્લેટફોર્મ ક્રમાંક ૪/૫ અને ૬/૭ વચ્ચે અંધેરીમાં દક્ષિણ તરફનો જૂનો ફૂટ ઓવરબ્રિજ સાતમી ઓક્ટોબરથી ૩૫ દિવસ સુધી જાળવણી કાર્ય માટે બંધ રાખવામાં આવશે. પ્રવાસીઓ પ્લેટફોર્મ ચાર અને પાંચ ઉપર સ્થિત લિફ્ટ અને સીડીઓનો ઉપયોગ કરી શકશે.