ગુજરાતમાં “આંધળા અને લંગડા ભેગા થયા: કૉંગ્રેસ-આપ ગઠબંધન પર પાટીલનો પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાંથી ભાવનગર અને ભરૂચ એમ બે બેઠકો કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને ફાળવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આકરી પ્રતિક્રિયા આપીને કૉંગ્રેસ અને આપને આંધળા અને લંગડા જેવો શબ્દોથી નવાજ્યા છે.
ગુજરાતમાં કૉંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન અંગે પાટીલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કૉંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવાની તેમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટ પર ફક્ત ૧૩ ટકા અને ભાજપને ૫૧ ટકા મળ્યા હતા, કૉંગ્રેસને ૨૫-૨૬ ટકા મત મળ્યા હતા.
બન્નેના મત ભેગા કરીને તો પણ લગભગ ૧૩ ટકા મત વધારે મળ્યા હતા. સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ હતી. ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસ કરી રહ્યું છે. ભાવનગર ભાજપની મજબૂત સીટ છે.
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, એક ગામમાં આગ લાગી ત્યારે આંધળા અને લંગડાએ ગઠબંધન કર્યું. આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા હતા. ત્યારબાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખાભાગે વેચતા હતા, પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે તે સરખો ભાગ પાડતો નથી. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કૉંગ્રેસ બંને દિવાસ્વપ્ન જુએ છે.
૧૨૬ બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર બે ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કૉંગ્રેસે ૪૪ સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે શનિવારે દિલ્હીમાં જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
અને સીટ શેરીંગ વિશે જાણકારી આપી હતી.
કૉંગ્રેસ નેતા મુકુલ વાસનિકે જણાવ્યું કે, ઈંડિયા બ્લોક પાર્ટીઓની વચ્ચે સીટ વહેંચણી પર ચર્ચા થઈ રહી હતી. બે દિવસ પહેલા લખનઊમાં સપા-કૉંગ્રેસ ગઠબંધનની જાહેરાત થઈ હતી.