આપણું ગુજરાત

ગુજરાતમાં મોક ડ્રીલ પછી બ્લેકઆઉટઃ SoU સહિત અનેક જિલ્લામાં અંધારપટ

અમદાવાદ: આજે ગુજરાતભરમાં યોજાયેલી સિવિલ ડિફેન્સની મોકડ્રીલ બાદ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તૈયારીઓની ચકાસણી કરવાનો છે, જેના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યભરમાં યોજાઇ રહેલી મોકડ્રીલનું SEOC ખાતેથી કર્યું વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું હતું.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બ્લેકઆઉટ

પ્રથમ તબક્કામાં, સાંજે 7.30 થી 8 વાગ્યા સુધી સુરત, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન આ જિલ્લાઓના લોકોને તેમના ઘરની લાઈટો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

બીજા તબક્કામાં પાંચ જિલ્લાઓમાં બ્લેકઆઉટ

બીજા તબક્કામાં વધુ પાંચ જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આ તબક્કો રાત્રે 8 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી ચાલશે. જામનગર, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આ જિલ્લાના રહેવાસીઓને પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન લાઈટો બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ત્રીજા તબક્કામાં અમદાવાદમાં બ્લેકઆઉટ

ત્રીજા તબક્કામાં અમદાવાદમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતુ. સરકારની કચેરીઓ સહિત અનેક સ્થળોએ અંધારપટ છવાયો હતો. જો કે તેમ છતા અનેક ઇમારતોમાં લાઇટો જોવા મળી હતી તેમ છતાં એકંદરે અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

આ બ્લેકઆઉટનો હેતુ દુશ્મનના હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં રાત્રિ દરમિયાન અંધકારનો અનુભવ કરાવવાનો છે, જેથી નાગરિકો આવી પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર થઈ શકે. તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. બ્લેકઆઉટ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.

રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની શરૂઆતમાં તાજેતરમાં ભારતીય સેના અને સુરક્ષાદળો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા.

મોકડ્રીલ અંગે ચર્ચા કરી હતી

આ ઉપરાંત, મુખ્ય પ્રધાને આગામી સમયમાં યોજાનારી મોકડ્રીલ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે તમામ મંત્રીઓ અને પ્રભારી સચિવોને તેમના સંબંધિત જિલ્લા તંત્રનું યોગ્ય માર્ગદર્શન કરીને મોકડ્રીલની સફળતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે મોકડ્રીલ દરમિયાન સામાન્ય નાગરિકોમાં કોઈ પણ પ્રકારનો ગભરાટ કે ડર ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવે અને તે માટે યોગ્ય દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button