ગુજરાત ભાજપમાં શોકનો માહોલ, એક જ દિવસમાં બે નેતાના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાત ભાજપ માટે 1 ડિસેમ્બરનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. રાજ્યમાં ભાજપના બે નેતાના મૃત્યુ થયા હતા. એકનું હાર્ટએટેકથી અને બીજાએ આપઘાત કરતાં પક્ષમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ગુજરાત ભાજપના સહ પ્રવક્તા જ્યેશ વ્યાસનું હાર્ટ એટેકથી નિધન
ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસ (ઉ.વ.50)નું દુઃખદ અવસાન થયું હતું. તેમના અણધાર્યા નિધનથી ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા. અનેક ટીવી ડિબેટમાં પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર મૂળ રાજકોટના જયેશ વ્યાસ અવસાનથી અનેક લોકોને આંચકો લાગ્યો હતો.
સુરતમાં મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત
સુરતમના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 34 વર્ષીય દિપીકા પટેલે આપઘાત કરતાં પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપના મહિલા નેતાએ આપઘાત કર્યો હોવાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ આ ઘટનાને આત્મહત્યા નહીં હત્યા ગણાવી હતી.
Also Read – ખ્યાતિ બાદ કાકડિયા હોસ્પિટલ વિવાદમાં; દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ થયું મોત
પરિવારજનોએ કહ્યું કે, દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ઘરે નહોતા. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ હાજર હતો.