આપણું ગુજરાતટોપ ન્યૂઝલોકસભા સંગ્રામ ૨૦૨૪

કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના વિનોદ ચાવડા હેટ્રીક કરશે, કોંગ્રેસના નીતેશ લાલણ કેવી આપશે ટક્કર?

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જો કે ભાજપમાં હાલ આંતરકલહ મોટી ચિંતાનો વિષય બન્યો છે. ભાજપે કેટલીક સીટો પર ઉમેદવારો બદલ્યા તેમ છતાં જનાક્રોશ યથાવત આ દરમિયાન કચ્છ-મોરબી લોકસભા સીટ ભાજપે બે ટર્મથી સાંસદ વિનોદ ચાવડાને યથાવત રાખ્યા છે. કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છે, છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. જ્યારે કોંગ્રેસે યુવા કોંગ્રેસના પ્રમુખ નીતેશ લાલણને ટિકિટ આપતા હવે ભાજપના વિનોદ ચાવડા સાથે નીતેશ લાલણની ટક્કર થશે.

આ પણ વાંચો : અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને

ભાજપે લોકસભાની ચૂંટણી માટે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા પર પસંદગી ઉતારી છે અને સતત ત્રીજી વખત વિશ્વાસ અને ભરોસો મૂકીને ચૂંટણી લડવાની તક આપી છે. વિનોદ ચાવડાએ સૌપ્રથમ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી, ત્યારે તેમને ફરી એક વાર તક અપાઇ છે. કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર બે ટર્મથી કચ્છના સાંસદ રહેલા વિનોદ ચાવડાને રીપીટ કરાયા છે.

હાલમાં કચ્છના સાંસદ ઉપરાંત તેમની કામગીરીને ધ્યાને રાખી વિનોદ ચાવડાને પ્રદેશ ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે પણ સ્થાન અપાયું છે. હાલમાં, કચ્છ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે- 1) અબડાસા, 2) માંડવી, 3) ભૂજ, 4) અંજાર, 5) ગાંધીધામ, 6) રાપર અને 7) મોરબી. આ સાતેય વિધાનસભા સીટ પર પણ ભાજપ પાર્ટીના જ ધારાસભ્ય ચૂંટાયેલા છે.

આ પણ વાંચો : છોટાઉદેપુર બેઠક પર રાઠવા VS રાઠવાનો જંગ, કોણ બનશે વિજેતા ભાજપના જશુભાઈ કે કોંગ્રેસના સુખરામ?

ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની બેઠક લગભગ અઢી દસકા જેટલા સમયથી ભાજપનો ગઢ રહી છે. કચ્છ બેઠક પર છેલ્લે 1991માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા, ત્યાર બાદથી આજ સુધી ભાજપના ઉમેદવારો જ વિજેતા બનતા આવ્યા છે.ગત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને મળેલા કુલ મત અને પાર્ટીના વોટશેરની વાત કરીએ તો 62.26% વોટશેર સાથે ભાજપ પક્ષ સૌથી આગળ હતો, ભાજપના વિનોદ લખમશી ચાવડાને 6,37,034 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરેશ નારણભાઇ મહેશ્વરીને માત્ર 3,31,521 મતથી સંતોષ માનવો પડ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીની સરખામણીએ 2019માં કચ્છ બેઠક પર ભાજપને વોટશેર 2.86% વધ્યો જ્યારે કોંગ્રેસનો 0.15% ઘટ્યો હતો.

કચ્છ લોકસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. આમ જોવા જઈએ તો કચ્છની બેઠક પર કોઈ એક જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ નથી અને જુદી જુદી જ્ઞાતિઓની બનેલી આ બેઠક એસ.સી. માટે અનામત છે પરંતુ જ્ઞાતિવાદી સમીકરણો અહીં કામ કરતાં નથી. આ બધી જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7-8 ટકાની આસપાસ રહેતી હોય છે. કચ્છમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે તો નિષ્ણાંતોના માટે મુજબ અહી કોંગ્રેસ તરફી મતદારોની પણ સારી સંખ્યા હોય છે પરંતુ અંતે ભાજપના ઉમેદવાર જ ચુંટાઈ આવે છે.

આ પણ વાંચો : સાબરકાંઠા સીટનો ભાજપનો આંતરિક ડખો શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે?

લોકસભાની ચૂંટણીમાં કચ્છ બેઠક ભાજપ આઠ વખત અને કોંગ્રેસ સાત વખત જીતી છે. કચ્છ બેઠક પર કુલ 17 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં, ભાજપ- કોંગ્રેસ ઉપરાંત એક એક વખત સ્વતંત્ર પક્ષ અને જનતા પક્ષના ઉમેદવાર પણ આ બેઠક પરાથી ચૂંટાઈ આવ્યા છે. આ બેઠક પર પ્રાથમ વખત 1989માં ભાજપ તરફાથી બાબુભાઈ શાહ ચૂંટાઈ આવ્યા હતા. સૌથી વધુ વખત ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ 1996, 1998, 1999 અને 2004 એમ ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વર્તમાન સમયમાં કચ્છને લગતા પ્રશ્નોની વાત કરવામાં આવે તો કચ્છને નર્મદાનાં નીર હજી સુધી નથી મળ્યા જેની તાતી જરૂરિયાત છે. જે યોજના કચ્છ માટે બનાવવામાં આવી હોય અને જેનો લાભ હજી પણ કચ્છને ના મળ્યો હોય, તો સ્વાભાવિક છે કે કચ્છના મતદારો નર્મદાનાં પાણીના મુદ્દાને લઈને મતદાન કરશે.આ ઉપરાંત કચ્છમાં બેરોજગારી પણ વધી રહી છે. સ્થાનિક ઉદ્યોગોમાં કચ્છના યુવા બેરોજગારોને રોજગારી નથી મળી રહી. સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને જમીનો ફાળવવામાં આવે છે જેના સામે કોઈ વિરોધ નથી પરંતુ ગૌચર જમીનો ઔદ્યોગિક એકમોને ફાળવવામાં આવે છે તેના સામે સખત વિરોધ છે. ત્યારે આ વર્ષે કચ્છના મતદારો સરકારના તરફેણમાં મત આપે છે કે સરકારની વિરૂધ્ધમાં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો

કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળીને કુલ 19,35,338 મતદારો 7મી મેના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. જે પૈકી 18થી 19 વર્ષની ઉંમરના કચ્છના 37680 અને મોરબીના મળીને કુલ 43049 જેટલા યુવા મતદારો પ્રથમ વાર મતદાન કરશે. આ ચૂંટણી દરમિયાન કુલ 486 જેટલા સેવા મતદારો રહેશે અને 16,45,364 જેટલા મતદારો પાસે ઓળખકાર્ડ રહેશે. લોકસભા બેઠક ચુંટણી માટે કચ્છના 1844 અને મોરબીના 295 મળીને કુલ 2139 મતદાન મથકો પર થશે મતદારો મતદાન કરશે.

કચ્છ-મોરબી લોકસભા અનામત સીટ પર લગભગ 2.50 લાખ જેટલા મતદારો અનુસચિત જાતિના છે. કોંગ્રેસ પાસે મોટી વોટબેંક છે છતાં પણ કોંગ્રેસ હરી જતું હોય તે વિચિત્ર કહેવાય. હકીકતમાં કચ્છની બેઠક કોંગ્રેસની સુરક્ષિત બેઠક કહેવાય કારણે કે કોંગ્રેસની વોટબેંક પણ મોટી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં સંગઠન નથી માત્ર ચુંટણી સમયે જ તેના નેતાઓ અને કાર્યકરો સક્રિય થાય છે જ્યારે ભાજપ સંગઠિત પાર્ટી છે. આમ કચ્છ-મોરબી લોકસભા સીટનું સક્ષ્મ એનાલિસીસ કરીએ આ વખતે પણ ભાજપ જીત તરફ અગ્રેસર હોય તેવું જણાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…