આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપનો પ્લાન બી તૈયારઃ મુંબઈ સમાચારે જેમનું નામ બહાર પાડ્યું હતું તેમને મળશે ઉમેદવારી?

રાજકોટઃ ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દિલ્હી ખાતે મોવડી મંડળને મળીને પરત ફર્યા છે. દિલ્હી ખાતે શું ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી તો સ્વાભાવિક નહીં મળે, પરંતુ પક્ષના નજીકના સૂત્રોનું માનીએ તો પક્ષે રૂપાલા પર જવાબદારી સોંપી છે. પક્ષે રૂપાલાને કહ્યું છે કે કાં તો એ વિવાદને ગમે તે રીતે ઠંડો પાડે અથવા સ્વેચ્છાએ ઉમેદવારી છોડી દે. જોકે રૂપાલા એમ કહેતા જણાય છે કે અમુક ક્ષત્રિય નેતાઓ મારી પડખે ઊભા છે અને લોકો મારી સાથે જોડાશે. જ્યારે બીજી બાજુ કરણી સેના અને ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં ન હોવાનું જણાય છે.

આ બધા વચ્ચે ભાજપે પ્લાન બી અમલમાં મૂક્યાના સમાચારો વહેતા થયા છે. જો રૂપાલાની ટિકિટ રદ કરવાની ફરજ પડે તો તેમની જગ્યાએ કોને ટિકિટ આપવી તેનું મંથન ચાલી રહ્યુ છે. લોકોના મોઢે તો મોહન કુંડારિયા, ભરત બોઘરાના નામ સંભળાય છે, પરંતુ પક્ષે શહેરના એક ઉદ્યોગપતિને તૈયાર રહેવાનું કહ્યું હોવાનું જાણવા મળે છે.

મુંબઈ સમાચારે અગાઉ બે નામ જાહેર કર્યા હતા. એક સંઘ સાથે જોડાયેલા મૌલેશ ઉકાણી અને બીજા ઉદ્યોગપતિ હર્ષિત કાવર. જોકે સૂત્રોનું માનીએ તો મૌલેશ ઉકાણીને રાજકોટની બેઠક આપવા માટે પક્ષ તૈયાર છે અને તેમને સંદેશ પણ પહોંચાડ્યો છે.

લગભગ છએક મહિના અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે મૌલેશ ઉકાણીને કહ્યું હતું કે જો તમારે લોકસભાની ચૂંટણી લડવી હોય તો તૈયાર થઈ જાવ, પરંતુ ઉદ્યોગપતિએ રાજકારણથી દૂર રહેવાની વાત કરી હતી. હવે પક્ષમાં કટોકટીની સ્થિતિ છે ત્યારે નવો જ ચહેરો રાજકોટને આપવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે, જેમાં ઉમેશ ઉકાણીનું નામ મોખરે છે. ઉકાણી કડવા પટેલ સમાજના છે અને યુવા ઉદ્યોગપતિ તરીકે સાફ છબિ ધરાવે છે.

જોકે બીજી તરફ રાજકોટ બેઠકની વાત કરીએ તો અહીં ક્ષત્રિય મતો કરતા પટેલ મતોની સંખ્યા ઘણી વધારે કે લગભગ બમણી છે. પટેલોએ હવે રૂપાલાની તરફેણમાં ડિજિટલ કેમ્પેઈન શરૂ કરી દીધું છે અને જાહેરમાં તેમને સમર્થન આપ્યું છે ત્યારે આ બેઠકનું રાજકારણ ક્યારે કઈ દિશામાં વળશે તે કહેવું મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button