ભાજપનાં મહિલા વિધાનસભ્યએ કાર્યકરો અંગે જાહેરમાં ઠાલવ્યો આક્રોશ, જાણો શું છે મામલો?
નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન નાંદોદ બેઠકના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે ઉપસ્થિત જનતાને સંબોધન કરતી વખતે જાહેરમાં જ પક્ષના સ્થાનિક કાર્યકરો અપમાન કરતા હોવાનું જણાવી આક્રોશ ઠાલવ્યો હતો. જેને પગલે વધુ એક વાર જિલ્લા સ્તરે ભાજપમાં નેતાઓ વચ્ચે આંતરિક જૂથવાદ ચાલતો હોવાનું સાબિત થઇ રહ્યું છે.
‘પાર્ટીના લોકો મારી સામે જોઇને હસે છે, મારું અપમાન કરે છે’ તેવું કહેતા ડો.દર્શના દેશમુખે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “આપણી પાર્ટી માટે ભોગ આપવાવાળા ઘણા નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે. બધાએ સમય અને ભોગ આપ્યો છે. હું બધાને પૂછું છું કે મેં અત્યાર સુધી કોઈની સાથે તુંકારે બોલાવી અપમાન કર્યું છે? ભગવાન સાક્ષી છે કે મેં કોઈનું અપમાન કર્યું નથી. પરંતુ મારી પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનામાં નાનો કાર્યકર મારી સામે જોઈને મારી હાંસી ઉડાડે છે. એટલે તમે શું સમજો છો આ મારું અપમાન નથી ભાજપના ધારાસભ્યનું અપમાન છે.” તેમ કહી ભાજપના કાર્યકરો પર જ તેમણે ઉભરો ઠાલવ્યો હતો. ધારાસભ્યની વાત સાંભળીને થોડા સમય માટે લોકોમાં પણ સન્નાટો ફેલાઈ ગયો હતો.
છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લામાં સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક જિલ્લા પ્રમુખ વચ્ચે તકરાર ચાલી રહી હોવાની વિગતો અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય દર્શના દેશમુખ અને સ્થાનિક જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની ફરિયાદ સી.આર. પાટિલને પણ કરી છે.
આ કાર્યક્રમમાં દર્શના દેશમુખે જે નિવેદન આપ્યું તેના પર સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી ના કરવી જોઈએ. યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઇએ. સંગઠનામાં ચૂંટાયેલા લોકોએ સાથે રહીને ચાલવું જોઇએ.