પુરુષોત્તમ રુપાલાના નિવેદન પછી ભાજપનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસઃ સી આર પાટીલે કહી મોટી વાત
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટીપ્પણીથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાના કરેલા બફાટ બાદ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલા ચારેબાજુથી ઘેરાયા છે. રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચિંમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે. હવે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું છે.
પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે ત્યારે સી આર પાટીલે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથેનો વિવાદ આગામી 24 કલાકમાં ઉકેલાઈ જશે. આજે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે પુરુષોત્તમભાઈએ માફી માંગી લીધી છે. જ્યારે ભાજપ હાઇકમાન્ડે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હોવાથી એકાદ દિવસમાં ઘીના ઠામમાં ઘી પડી જશે.
રાજકોટની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સી.આર. પાટીલ દ્વારા રાજકોટની ઇમ્પીરીયલ પેલેસ ખાતે પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દે અમારી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે. આગામી એક-બે દિવસમાં સુખદ સમાધાન થઈ જશે. ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, ‘મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહાર કર્યા છે. રૂખી સમાજ પર સૌથી વધુ દમન ગુજારવામાં આવ્યું હતું, પરંતુ રૂખી સમાજ ઝુક્યો નહોતો. રૂખી સમાજે ધર્મના બદલ્યો. એક હજાર વર્ષે રામ તેમના ભરાસો આવ્યા હતા.’ તેમના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે રૂપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને બદલવાની માગ કરી રહ્યો છે. એવામાં ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ડેમેજ કંટ્રોલ માટે રાજકોટ દોડી આવ્યા હતા.