જેતપુર-નવાગઢ નગરપાલિકામાં ભાજપની શાનદાર જીતઃ જયેશ રાદડિયાનું ડેમેજ કંટ્રોલ સફળ

જેતપુર: આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. જો કે ઉમેદવારી સમયે વિવાદને લીધે ચર્ચાનું કેન્દ્ર બનેલી જેતપુર-નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં
ભાજપમાં અસંતોષની આગ
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી હતી. આ દરમિયાન જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને છેક પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ સામે આવ્યો હતો. ટિકિટ ફાળવણીમાં પૂર્વ સુધરાઈ પ્રમુખ સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે તેઓ ધારાસભ્ય જયેશ રાદડિયાનાં જુથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કાપી છે.
જયેશ રાદડિયાએ કર્યું ડેમેજ કંટ્રોલ
પૂર્વ સુધરાઈ પ્રમુખ સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપ બાદ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા 42 ઉમેદવારોએ સામુહિક ઉમેદવારીપત્ર પરત ખેંચવા અને રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારતા ભાજપમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. જો કે ત્યારબાદ ભાજપની આંતરિક ડખાની આગને ઓલવવા માટે બેઠકોનો દોર ચાલ્યો હતો. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેદાનમાં ઉતરીને ડેમેજ કંટ્રોલ કર્યો હતો.
ભાજપની જીતની ભવ્ય ઉજવણી
ત્યારે હવે જયેશ રાદડિયાની મહેનત કામ લાવી છે અને જેતપુર નવાગઢ નગર પાલિકામાં ભાજપને ભવ્ય જીત મળી છે. ભાજપની ભવ્ય જીત બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ તમામ જીતેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. જેતપુરમાં જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેની ઉજવણીમાં ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સામેલ થયા હતા અને તેમણે નોટોનો વરસાદ કર્યો હતો.