વાવ બેઠક ઉમેદવારી નોંધાવવા ભાજપ રાફડો ફાટ્યો: 70 લોકો મેદાનમાં
પાલનપુર: વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે અને આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. આથી હવે આ બેઠક પર રાજકીય પક્ષો પોતાના મુરતીયા ઉતારવા માટે આયોજન કરી રહ્યા છે.
ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની નિમણૂક કરીને સેન્સ લેવાની કામગીરી હાથ ધરી છે. જો કે ભાજપમાંથી આ બેઠક પર 70થી વધુ નેતાઓ ટિકિટ માટેની લાઇનમાં ઉભા હોવાના સમાચારથી ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત આંચકો લાગ્યો છે.
વિધાનસભાના ચૂંટણીના મેદાનમાં પોતાના મુરતીયા ઉતારવા માટે પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્રણેય નિરીક્ષકોએ આજે સવારથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે આ દરમિયાન પેટાચૂંટણી લડવા ભાજપમાં તો જાણે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેમ અંદાજે 70થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
દાવેદારોની આ કતારમાં ગેનીબેન ઠાકોર સામે ગત વિધાનસભા ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ આ પેટાચૂંટણીમાં ફરી મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરીને બેઠા છે. જો કે હવે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધા બાદ નિરીક્ષકો દાવેદારોના નામોની યાદીને પ્રદેશ ભાજપને સમક્ષ રજૂ કરશે અને અંતિમ મહોર પ્રદેશ ભાજપ મારશે.
વાવ વિધાનસભા બેઠક પર જે ભાજપના ઉમેદવારોએ ઈચ્છા વ્યક્ત કરી છે તેમાં સ્વરૂપજી ઠાકોર, તારાબેન ઠાકોર, અમથુજી ઠાકોર, કરશનજી ઠાકોર, ગગજી ઠાકોર, વીરાજી ઠાકોર, દિલીપ વાઘેલા, રજનીશ ચૌધરી, મુકેશ ઠાકોર, શૈલેષ ચૌધરી, લાલજી પેટલ, રજની પેટલ, ગજેન્દ્રસિંહ રાણા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.