ગુજરાતમાં ભાજપ 4 જૂને નહીં કરે જીતની ઉજવણી, પ્રદેશ પ્રમુખ પાટીલે કરી જાહેરાત
અમદાવાદ: રાજકોટમાં TRP અગ્નિકાંડને લઇને ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણી પરિણામ પછી રાજ્યમાં ભાજપ કોઇ પણ પ્રકારની ઉજવણી નહીં કરે તેવો નિર્ણય ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ભાઈએ કર્યો છે. તેમના દ્વારા આજે એક વર્ચ્યુઅલ બેઠકમાં 4 જૂનના રોજ યોજાનારી મતગણતરી સંદર્ભે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોને ઉદ્દેશીને રાજકોટની દુખદ ઘટનાના પગલે પાર્ટીના વિજયને સંયમતાથી અને સાદગીથી મનાવવાની સૂચના આપી હતી. જેમ કે વિજય સરઘસ કાઢવા નહીં, ફટાકડા ફોડવા નહીં, એકબીજાને મીઠાઈઓ ખવડાવવી નહીં, ફૂલો અને ગુલાલ ઉડાડીને વિજેતીનું અભિવાદન કરવું નહીં, ઢોલનગારા કે ડીજે સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં, ભાજપ કાર્યાલય પર રોશની કરવી નહીં, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજવાનું ટાળવા સહિતની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં 25 મેએ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીતવા ભુંજાઈ ગયા છે, ભ્રષ્ટ તંત્રના પાપે રાજકોટમાં 28 નિર્દોષ લોકો સળગીને મરી જતાં લોકોમાં ભારે આક્રોશ છે. આ દુર્ઘટના બાદ રાજ્યમાં જ નહીં દેશભરમાં શોક અને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપ (BJP) પ્રમુખે જીતની ઉજવણી ન કરવાની જાહેરાત કરી છે.
Also Read –