કેમ ભાજપના ગઢ ગુજરાતમાં ભાજપને જીતનો નથી ઉત્સાહ તો કોંગ્રેસને નથી હાર્યાનો ગમ?
ગુજરાત: ગુજરાતમાં(Gujarat)2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં 10 વર્ષ બાદ પ્રથમ વખત ભાજપ સાથે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું છે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપે હેટ્રીક કરવાનું સ્વપ્ન સેવ્યું હતું અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે દરેક ઉમેદવાર પાંચ લાખની લીડથી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો. પરંતુ પરિણામો આવતા ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) ભાજપના આ સપનાને રોળી નાખ્યું છે. ભારે ખેંચતાણભરી સ્પર્ધાના અંતે બનાસકાંઠા બેઠક પર ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને કટોકટીની હાર આપીને ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલ્યું છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપે જીતની આશા વ્યક્ત કરી હતો. સુરત બેઠક પર ખેલાયેલ રાજકીય રમતો બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા. મતગણતરીના દિવસે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચતા પહેલા ઘણી બેઠકોએ ભાજપની ચિંતા વધારી હતી. જો કે અંતે પરિણામો જાહેર થયા બાદ ભાજપે 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો પરંતુ બનાસકાંઠા બેઠક પર ભારે રસ્સાકસી જોવા મળી હતી. ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ગેનીબેન ઠાકોરે 30 હજાર મતોની લીડથી હાર આપી હતી. ભાજપના આંતરિક વિખવાદના લીધે ડીસા અને પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપ લીડ મેળવી શકી નથી. આથી ભાજપે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
ભાજપની હેટ્રીક અટકી :
રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટનાને લઈને ચૂંટણીના પરિણામો બાદ ભાજપે કોઈ ઉજવણી નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે દેશમાં ચૂંટણીના પરિણામોને લઈને ભાજપના કાર્યકરોમાં ઉદાસીનો માહોલ હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય પર બપોરે 3 વાગે સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં બંનેએ ગુજરાતમાં એક બેઠક ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. સતત ત્રીજી વખત અમે હેટ્રીક કરવાઆ માટે ખૂબ જ મહેનત કરી હતી પરંતુ અમારા પ્રયત્નોમાં કઈક ખામી હતી કે જેથી અમે ન જીતી શક્યા અને એક બેઠક ગુમાવવી પડી હતી.
ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જનતાનો આભાર માનતા કહ્યું હતું કે જનતાએ ભાજપનો અહંકાર ભાગ્યો છે. દરેક બેઠક પર પાંચ લાખની લીડથી જીતવાના દાવા કર્યા હતા, પરંતુ તેવું કઈ બન્યું નથી. ભાજપે લોકશાહીને કલંકિત કરી છે અને કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર વિયજી મેળવ્યો છે જ્યારે અન્ય બેઠકો પર પણ અમે સારી લડત આપી હતી.
ગુજરાતમાં આ વખતના પરિણામ ભાજપ માટે સંતોષજનક નથી રહ્યા. 2022 માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. આ ઐતિહાસિક જીત બાદ ભાજપે 2024ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જીતીને હેટ્રીક રચવાનું સ્વપ્ન સેવ્યું હતું. પણ અંતે તે રોળાય ગયું હતું. દરેક ઉમેદવાર પાંચ લાખની લીડથી જીતશે તેવી આશા પણ હતી તેમ છતાં અમીત શાહ અને સી. આર. પાટીલ સિવાય કોઈ ઉમેદવાર લીડ મેળવી શક્યું નથી. 12 ઉમેદવારોએ તેમની લીડ ઘટી છે.