આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પાંચ સભ્યની શપથ બાદ ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ 161 થયું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024માં ચૂંટાયેલા પાંચ સભ્યએ આજે મંગળવારે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી, ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. હવે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ 161 થયું છે અને કોંગ્રેસ પાસે માત્ર 13 જ ધારાસભ્ય રહ્યાં છે.

વર્ષ 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને વિક્રમી 156 બેઠકો મળી હતી અને કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સિમિત રહી ગઈ હતી. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો પર વિજય થયો હતો. આ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતાં. જો કે હજી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ નથી. આ બેઠકનો મામલો કોર્ટેમાં ગયો છે. ત્યારબાદ કૉંગ્રેસના ચાર વિધાનસભ્યો ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, વિજાપુરથી સી.જે.ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિધાનસભામાં છ બેઠકો ખાલી પડતાં પેટાચૂંટણી યોજાઈ હતી. સાતમી મેના રોજ લોકસભાની ગુજરાતની બેઠકો માટેનું મતદાન થયું ત્યારે પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં પોરબંદર બેઠક પરથી ભાજપના અર્જુન મોઢવાડિયા 133163 મત મેળવીને 116808 મતોની લીડથી ચૂંટણી જીત્યાં છે.

આ પણ વાંચો : ‘સાચા સેવકમાં અહંકાર નથી હોતો…’ RSS વડા મોહન ભાગવત ભાજપ અને મોદીથી નારાજ!

વિજાપુર બેઠક પરથી ભાજપના સી.જે ચાવડાને 100641 મત મળ્યાં છે. સી.જે. ચાવડા 56228 મતે ચૂંટણી જીત્યા હતાં. માણાવદર બેઠક પર ભાજપના અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા હતાં અને તેઓ 31016 મતે ચૂંટણી જીતી ગયાં હતાં. ખંભાત બેઠક પર ભાજપે કોંગ્રેસના ચિરાગ પટેલને ટીકિટ આપી હતી. ચિરાગ પટેલને 88457 મત મળ્યા હતાં. ચિરાગ પટેલ 38328 મતની લીડથી ચૂંટણી જીતી ગયાં હતાં. વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. તેઓ આ બેઠક પર ભાજપની ટીકિટ પર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલ સામે 82108 મતની લીડથી જીતી ગયાં હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button