ભાજપ ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં થયેલી લૂંટની ઘટના પર કોંગ્રેસે શું કહ્યું? | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ભાજપ ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં થયેલી લૂંટની ઘટના પર કોંગ્રેસે શું કહ્યું?

ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરે થયેલી લૂંટની ઘટના પર વિધાનસભા સત્ર બાદ કોંગ્રેસે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળેલી છે તે આ ઘટના પરથી સમજાય છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પત્નીને બંધક બનાવીને લાખો રૂપિયાની રોકડ અને સોનાચાંદીના દાગીના તસ્કરો ઉઠાવી ગયા. જ્યારે ગુજરાતમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય પ્રજાની સલામતીનું શું એ મોટો પ્રશ્ન અહીં ઉદ્ભભવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ વિધાનસભા સત્રના પહેલા દિવસે મહિલા અત્યાચાર નિવારણ સમિતિની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા જેના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે વર્ષ 2017 બાદ સમિતિ રચાઇ નથી. આ અંગે પણ MLA તુષાર ચૌધરીએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ગૃહખાતાના આંકડા મુજબ ગુજરાતમાં દર મહિને 50 મહિલાઓ પર બળાત્કાર થાય છે. 100 મહિલાઓ પર હુમલા થાય છે. એ જ બતાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે.


આ પછી તુષાર ચૌધરીએ સુરતમાં બાળકના અપહરણનો કિસ્સો ટાંકતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા સુરતના કડોદરામાં એક બાળકનું અપહરણ કરી તેના માતાપિતા પાસે ખંડણીની માગણી કરવામાં આવી હતી અને પોલીસની નક્કર કાર્યવાહી થાય એ પહેલા જ બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનાઓ એ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા ખાડે ગયેલા છે. અમે પણ વિધાનસભામાં વારંવાર રજૂઆતો કરી છે પણ જે પ્રકારની ઘટના બની રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે સરકારનો અંકુશ નથી. આજે પોલીસ બીજાબધા કામોમાં વ્યસ્ત હોય છે પણ કાયદો જાળવવામાં પોલીસ નિષ્ફળ ગઇ છે તેવો આક્ષેપ તુષાર ચૌધરીએ કર્યો હતો.

Back to top button