કચ્છમાં ભાજપના ક્ષત્રિય હોદ્દેદારોમાં રોષ, માંડવી તાલુકા પંચાયતના સભ્યનું પાર્ટીમાંથી રાજીનામું

માંડવી: ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ સામે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાં પણ લોકોમાં આક્રોશ યથાવત છે.
ક્ષત્રીય સમાજના યુવાનો અને મહિલાઓ પણ ધરણા-પ્રદર્શનો કરી તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય પાર્ટીના ક્ષત્રિય કાર્યકરો અને હોદ્દેદારો છે, એક સમયે પાર્ટીના વફાદાર મનાતા પાયાના કાર્યકરો હવે પાર્ટી છોડી રહ્યા છે.
ભાજપના નેતા પુરૂષોતમ રૂપાલાના નિવેદનના વિવાદના છાંટા માંડવી તાલુકા પંચાયતમાં ઉડ્યા છે. માંડવી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય ભુપેન્દ્રસિંહ જાડેજાએ આ વિવાદમાં સમાજનો સાથ આપીને રાજીનામુ આપ્યું છે. માંડવી તાલુકા પંચાયતના ગુંદિયાળી બેઠકના ભાજપના સદસ્ય ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ રાજીનામુ આપીને જણાવ્યું હતું કે, સમાજના હિત માટે રાજીનામુ આપ્યું છે.
ભાજપના જુના કાર્યકર અને માંડવી તાલુકા પંચાયતમાં ગુંદીયાળી બેઠક પરથી સભ્ય પદે વિજેતા થયેલા ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ રૂપાલા મામલે પક્ષ સામે નારાજગી દર્શાવી પક્ષના સભ્યપદેથી પોતાનું રાજીનામુ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદને આલેખીને જાહેર કર્યું હતું.

ભાજપના ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપતા જાડેજાએ સમાજ હિત માટે પોતાનું રાજીનામું આપી દીધું છે તેમ જણાવ્યું હતું. ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન વ્યાપક બની રહ્યું છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર કરેલ બફાટના પગલે સમગ્ર રાજપૂત સમાજમાં વિરોધ છે અને હું પણ તેના વિરોધમાં સમાજ સાથે રહીને સમાજના હિતમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદમાંથી રાજીનામું આપું છું.