ભાજપનો મોટો નિર્ણય: પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સસ્પેન્ડ, કારણ શું?

ખેડાઃ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા કેસરીસિંહને બહારનો રસ્તો બતાડવામાં આવ્યો હતો. માતરના પૂર્વ ધારાસભ્ય સામે પક્ષે પગલાં લઈને તમામ પદ પરથી સસ્પેન્ડ કર્યા હતા. જેને લઈ ખેડા ભાજપમાં સોંપો પડી ગયો હતો. ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો, જે બે દિવસ પહેલા બહાર પાડ્યો હતો, પરંતુ આજે આ પત્ર વાયરલ થયા પછી ખબર ધ્યાનમાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેસરીસિંહ સોલંકીએ અગાઉ વર્ષ 2012થી 2022 બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેસરીસિંહ સોલંકીને ભાજપ તરફથી ટિકિટ નહીં મળતાં તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયા હતા. જોકે, આપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેઓ ફરીથી ભાજપમાં પાછા ફર્યા હતા. આ પક્ષપલટાને કારણે પણ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: વિધાનસભામાં કોંગ્રેસ-આપ આ મુદ્દે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરશે; મેવાણી-ઈટાલીયા મોરચો સંભાળશે
તાજેતરમાં પણ કેસરીસિંહ સોલંકી વિવાદમાં આવ્યા હતા. જુલાઈ 2025માં કેસરીસિંહ સોલંકીએ લીંબાસીમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર રેડ પાડી હતી અને ત્યાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી હતી. તેમણે લીંબાસી પોલીસને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી હતી અને મહિલા પીએસઆઈને દારૂ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હોવા છતાં કોઈ જવાબ નહીં આપવાનો પણ આક્ષેપ કર્યો હતો.
કેસરીસિંહ સોલંકીએ ખેડા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા (તત્કાલિન) અર્પિતા પટેલ પર બુટલેગરો પાસેથી હપ્તા વસુલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે.