વિસાવદર હાર: ભાજપ AAP નેતાઓને નિશાન બનાવી રહ્યું છે – ઈસુદાન ગઢવીનો આક્ષેપ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, સૌરાષ્ટ્રના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને શહેર પ્રમુખ દિનેશ જોષી દ્વારા રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપે વિસાવદરની ચૂંટણીમાં તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રી, વોર્ડ, પ્રમુખ, તાલુકા, જિલ્લાના સભ્યો સહિત તમામ લોકોને મેદાને ઉતાર્યા હતા તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાને પ્રજાએ પ્રચંડ બહુમતીથી જીત આપી હતી.
આમ આદમી પાર્ટીની જીત થયા બાદ ભાજપે પાર્ટીના નેતા ઉપર ખોટા કેસો કરવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સંકલનની મિટિંગમાં ગયા હતા ત્યાં તેમણે મનરેગામાં થયેલા 2000 કરોડથી વધુના કૌભાંડ સહિત બીજા અને કૌભાંડ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના લોકોએ અને કેટલાક એવા લોકોએ પણ જે મિટિંગમાં અપેક્ષિત પણ ન હતા તે લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે હાથાપાઈ કરી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ફરિયાદ લખીને પોલીસ સ્ટેશને આપવા પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસ ભાજપના ઈશારા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જ ખોટી ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.
પોલીસ બંધારણનું અને પોતે લીધેલી શપથનું પાલન કરી રહી નથીસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા થઈ રહી છે. ભાજપે આ કામ કર્યું છે તેનું મુખ્ય કારણ છે કે ભાજપ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. ભાજપ ઇચ્છતું નથી કે આદિવાસી સમાજનો કોઈપણ યુવાન આદિવાસી સમાજનો અવાજ બને. પોતાના સમાજ માટે અવાજ ઉઠાવનાર આદિવાસી યુવાનોને ભાજપ કચડી નાખવા માંગે છે. કારણ કે ભાજપને આદિવાસી સમાજના વિકાસ માટે નહીં પરંતુ આદિવાસી સમાજ માટે જે કરોડો રૂપિયાનું ફંડ લાવે છે તેને ભાજપના નેતાઓ પોતાના ઘરે લઈ જવા માંગે છે.