
અમદાવાદઃ ભાજપ હંમેશાં તેની સંગઠનાત્મક તાકાત માટે જાણીતું રહ્યું છે. ગ્રામ પંચાયત હોય કે લોકસભા પક્ષની તૈયારીમાં કોઈ કચાશ જોવા મળતી નથી. Gujarat BJP પણ હવે સત્તાવાર રીતે ચૂંટણીલક્ષી કામકાજમાં લાગી ગઈ છે. આજે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પણ અમદાવાદમાં છે.
ભાજપે તમામ 26 લોકસભા બેઠક માટે બેઠકદીઠ ત્રણ ઓબ્ઝર્વર નિમ્યા છે. આ ત્રણેય પદાધિકારી પોતપોતાના વિસ્તારમાં વર્તમાન સાંસદોની કામગીરી, લોકોનો મૂડ, ઈચ્છુકોના કામકાજ વગેરેનું નિરિક્ષણ કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગરની બેઠક પરથી તો અમિત શાહનું નામ સર્વાનુમતે સૂચવવામાં આવ્યું છે. જ્યારે મહેસાણાની બેઠક પરથી ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું નામ સૂચવવામાં આવ્યું છે. આ સાથે પક્ષના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લગભગ 12થી 15 નવા ચહેરા મેદાનમાં ઉતારવાનો વ્યૂહ બાજપ બનાવી રહી છે. આ સાથે મહિલા આરક્ષણ બિલ પસાર થયું છે ત્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા પણ વધશે, તેમ કહેવાય રહ્યું છે.
ભાજપ છેલ્લા દસ વર્ષથી એટલે કે બે ટર્મથી લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પક્ષે કૉંગ્રેસ સાથે ગુજરાતમાં ગઠબંધન કરી બે બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. ભાવનગર અને ભરૂચમાં પક્ષ પોતાના વર્તમાન વિધાનસભ્ય ઊભા રાખશે ત્યારે આ બન્ને બેઠકો અને આ સાથે આદિવાસી પટ્ટાની બેઠકો ભાજપ માટે ખાસ બની ગઈ છે અને અહીં વધારે મહેનત અને રણનીતિ સાથે કામ કરવામાં આવશે, તેમ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું.