ભુજમાં ભાજપના નગરસેવકની ગુનો નોંધાયાના 3 મહિના પછી કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો?
ભુજઃ ચાની હોટેલ પાસે ઊભેલી કારને હટાવવા જેવા નજીવા મુદ્દે આધેડ પર પાઈપ વડે જીવલેણ હુમલો કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનાહિત કિસ્સાના લગભગ સાડા ત્રણ મહિના બાદ એસસી/એસટી સેલને ભુજના ભાજપના નગરસેવકની ધરપકડ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : ગાંધીધામની જવેલર્સ પેઢી પર રેઇડ કરનારી નકલી ઈડી ગેંગ જેલહવાલે
આ ગુનો નોંધાયા બાદ આરોપી ધર્મેશ ગોર ખુલ્લેઆમ ફરતો હોવાની અને ફરિયાદ પરત ખેંચાવવા માટે એડી ચોટીનું જોર લગાવતો હોવાની વારંવાર રજૂઆતો છતાં છેલ્લાં સાડા ત્રણ મહિનાથી સેલ તેને પકડતો નહોતો. આખરે ફરિયાદીએ આઈજી રેન્જની કચેરીમાં આ મામલે રજૂઆત કર્યાના ગણતરીના કલાકો બાદ આરોપીની ધરપકડ કરી હતી.
ભુજના નગરસેવક ધર્મેશ સુભાષ રાજગોર (જોષી) (ઉ.વ. ૩૪, રહે. ઘનશ્યામ નગર, મુંદરા રોડ)એ ૩૦મી ઓગસ્ટના સાંજે સાડા પાંચ વાગ્યે ભુજના લાયન્સ નગરમાં રહેતા ૪૭ વર્ષિય રમેશભાઈ વણકર પર મુંદરા રોડ પર ચાની હોટેલ પર હુમલો કર્યો હતો. ફરિયાદી તેમની ઈકો કારને હોટેલ બહાર પાર્ક કરીને મિત્ર જોડે કારમાં બેઠાં બેઠાં ચા પીતાં હતા.
એ વખતે બ્લેક સ્કોર્પિયો લઈને આવેલા ધર્મેશ ગોરે આગળ પડેલી ઈકો કારને સાઈડમાં હટાવવા માટે એકધારા હોર્ન માર્યા હતા. બાદમાં કારમાંથી પાઈપ લઈને બહાર નીકળીને ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ સમયે બોલેરો લઈને આવેલા ધર્મેશના મોટા ભાઈ કપિલ ગોરે પણ ફરિયાદી પર પાવડાના હાથા વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
અગાઉ સેશન્સ કૉર્ટે સહઆરોપી કપિલને આગોતરા જામીન પર મુક્ત કરી દીધો હતો, પરંતુ ધર્મેશની ગુનામાં પ્રથમદર્શનીય સંડોવણીને જોતાં ઓક્ટોબર માસમાં આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ધર્મેશ પર અગાઉ અન્ય ૬ ફોજદારી ગુના દાખલ થયેલાં છે, તે વગદાર માણસ હોઈ જામીન પર છૂટે તો સાક્ષીઓને ધમકાવીને કેસ પ્રભાવિત કરી શકે તેમ છે તેવી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gujarat માં સિરિયલ કિલર કથિત ભૂવાની પત્ની અને ભત્રીજાની મદદગારીના ગુનામાં ધરપકડ
5 સપ્ટેમ્બરે ફરિયાદીએ પોલીસ વડાને લેખીત રજૂઆત કરી હતી કે, આરોપી ભાજપનો માથાભારે અને વગદાર નગરસેવક છે, ખૂલ્લેઆમ ફરી રહ્યો છે અને પોતાના પર હુમલો કરવા માણસો મોકલી રહ્યો છે. જેથી તેની તત્કાળ ધરપકડ કરીને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે. આ પછી ફરિયાદી રમેશ વણકરે આઈજી રેન્જની કચેરીમાં રજૂઆત કર્યાં બાદ ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.