વાવ બેઠક પર બંને પક્ષોને સાત પાસની ચિંતા: આ કારણે ભાજપ-કોંગ્રેસનું ટેન્શન વધ્યું
અમદાવાદઃ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને અને તો ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ બંને પક્ષો માટે વાવ બેઠક પર સફળતા મેળવવી ઘણી અઘરી થઈ ચુકી છે. આ બેઠકને લાઇન ભાજપ અને કોંગ્રેસ બન્નેનું ટેન્શન વધાર્યુ છે. પણ શું કારણ છે કે બને પક્ષની ચિંતા વધી છે?
વાવ બેઠક લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરની બેઠક છે, તેમના રાજીનામાં બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. જો કે ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ સમાન લાગી રહ્યુ છે કારણ કે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને જામાભાઈ ચૌધરીએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. જોકે, ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ પોતાનો દબદબો યથાવત રાખશે તે હવે પરિણામ બાદ જ બહાર આવશે.
લોકસભાની જીત તો વિધાનસભાની હારનો ઇતિહાસ:
આ વખતે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવી શકે તેવી શક્યતાઓ રાજકીય વિશ્લેષકો વ્યકત કરી રહ્યા છે. તેનું એક કારણ કોંગ્રેસમાં ઘણા દાવેદારોને અને ઠાકોર સમાજને ટિકિટ ન મળતાં પક્ષમાં આંતરિક વિખવાદ દેખાઇ રહ્યો છે. જ્યારે બીજું કારણ એ છે કે છેલ્લા વર્ષ 2009, 2014 અને 2019માં યોજાયેલી ત્રણ પેટાચૂંટણીનો ઇતિહાસ જોઇએ તો જે પક્ષ લોકસભાની ચુટણી જીતે છે એ વિસ્તારની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હારે છે.
Also Read – Vav Bypoll : કોંગ્રેસે બેઠક જીતવા અપનાવી રણનીતિ, આ ઉમેદવારને આપી ટિકિટ
જેમ કે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવી લોકસભા જીત્યા હતા, ત્યારે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી. વર્ષ 2014માં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણના સાંસદ બનતા ડીસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે બેઠક ગુમાવી હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ લોકસભા જીત્યા હતા, ત્યારે થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી.