પાંચ લાખની જીતના ‘ટાર્ગેટ’ને ‘મૂકો પૂળો’, કહી ભાજપે અપનાવી આ સ્ટ્રેટજી
ગુજરાતમાં મત સંગ્રામ આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા જ કલાકો છે ત્યારે, ચોતરફ ક્ષત્રિય સમાજના ભાજપ વિરોધી કલશોરથી ભાજપ ત્રાહિ-ત્રાહિ થઈ ઉઠ્યો હોય તેમ હવે ગણગણાટ થાય છે કે, પાંચ લાખની લીડ મૂકો પડતી… પણ બહુમતી જંગી આવવી જોઈએ. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ આજે એક પત્રકાર પરિષદમાં દાવો કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપની લગભગ 10 બેઠક ઓછી થઈ રહી છે. આ વચ્ચે ભાજપે હવે પોતાની રણનીતિ બદલી છે. વ્યાપક મતદાન એ જ આધાર ગણીને સવારના 7થી 12 સુધીમાં લગભગ 50 ટકા મતદાન કરાવવા માટેની જવાબદારીઓ સોંપાઈ રહી છે. તો માનો કે, મતદાનના દિવસે હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનું પ્રમાણ અમદાવાદમા 42 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી આસપાસ હોય તો પણ સવારનું મતદાન 25 બેઠકો પર આટલું તો કરાવવું જ રહ્યું . અને જ્યારે સાંજે મતદાનનો સેમી એક કલાક વધતાં 6 વાગ્યા સુધીનો થયો છે ત્યારે 4થી 6 દરમિયાન 30 ટકા જેટલું મતદાન કરાવવું જ રહ્યું.
જો કે ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ બિલકુલ નીરસ છે. નેતાઓના નિવેદનમાં પણ નારી રાજનીતિ જ ટપકતી જોવા મળે છે.ત્યારે સામાન્ય પ્રજાને વાયદા અને મધલાળ આપણે વોટ માટે આજીજી કરાઇ રહી હોવાની પ્રતીતિ હવે મતદારોને પણ થાય છે. આજે ચૂંટણી પ્રચાર 5 વાગ્યે થંભી ગયા સુધી નેતાઓએ પ્રચારમાં છેલ્લી ઘડી સુધીનું જોર લગાવી લીધું છે. સી આર પાટિલ હોય કે પરસોત્તમ રૂપાલા, ગેનીબહેન ઠાકોર હોય કે રેખાબહેન ચૌધરી. બે દિવસના વાદળિયાં વાતાવરણનો નેતાઓએ પ્રચારમાં લાભ લીધો. બીજી તરફ ક્ષત્રિય સમાજે આજે નરોડા -વસ્ત્રાલ વિસ્તારમાં વિશાળ રેલી કરીને પોતાનો વિરોધ ભાજપ તરફ દર્શાવ્યો છે.
મતદારોનો મિજાજ અકળ
દેશભરમાં મતદારોનો મિજાજ અકળ જણાઈ રહ્યો છે. પહેલા બે તબક્કામાં થયેલા મતદાનમાં લગભગ 7 ટકા મતદાન 2019ની સરખામણીમાં ઓછું થયું. બે દિવસ પછી ચૂંટણી પંચે નવા નાડા રિલિઝ કરતાં વધુ એક વિવાદ થયો. કેન્દ્ર સરકારના જ જ્યાં સરકાર છે તેવા ઉત્તર પ્રદેશ અને બિહારમાં થયેલા ઓછા મતદાનથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે 7 મી તારીખે કેવું અને કેટલું મતદાન થાય છે તેના પર નજર છે. વાત ગુજરાતની કરીએ તો છેલ્લી બે ટર્મથી 26 એ 26 બેઠક જીતીને કોંગ્રેસનાં સૂંપડા સાફ કરી દેનાર ભાજપને આ વખતે બેઠકો ઓછી થવાનો ભય છે.
ક્ષત્રિય સમાજ પછી હવે કોળી સમુદાય મેદાનમાં
છેલ્લા 40 દિવસથી ક્ષત્રિય સમાજ અને ભાજપ આમને-સામને છે ઠેર-ઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે.ત્યારે, કોળી સમાજનું લોહી ઊકળી ઊઠે તેવું નિવેદન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એક જ્નસભામાં આપતા હવે ભાજપા સામે કોળી સમુદાયે મોરચો માંડ્યો છે. ભાજપ માટે આ વખતે દેશના કેટલાક રાજ્યોમાં જીત સરળ નથી. પણ ગુજરાત હૃદય સ્થાને છે. અહીં ભાજપને 26 માથી એક પણ બેઠક ઓછી થાય એ મર્મભેદી સ્થિતિ બને. સુરતની એક બેઠક આવી ગયા પછી હવે ભાજપ,જ્યાં વિરોધ થઈ રહ્યો છે તેના શમન અને વધુ વોટિંગની ફિરાકમાં છે.એ તો નક્કી છે.