
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની સિઝન જામી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કચ્છના નલિયા, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં લધુત્તમ તાપમાન નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 8 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 11 ડિગ્રી રહેવાનું અનુમાન છે. બીજું બાજુ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં વહેલી સવાર અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થાય છે, બાકી દિવસ દરમિયાન ખાસ ઠંડી વર્તાતી નથી.
રાજ્યના ઘણા વિસ્તારોમાં છલ્લા ઘણા દિવસોથી હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં 13 જિલ્લાઓમાં તાપમાન 13 ડિગ્રીથી નીચું નોંધાયું છે. રાજ્યમાં આજથી પવનની દિશા બદલાશે. પવનની ગતિ 9 થી 14 કિલોમિટર પર કલાકની રહેશે.
આ પણ વાંચો…મોરબી જિલ્લામાં 2 દિવસમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાયા
ગતરોજ નલિયા અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડીઝીટમાં નોંધાયું હતું, જેમાં નલિયા 6 અને રાજકોટમાં 9 ડિગ્રી તાપામાન નોંધાયુ હતુ. આ ઉપરાંત અન્ય શહેરોમાં ભુજમા 10 ડિગ્રી, કેશોદમાં 11 ડિગ્રી, મહુવા, અમરેલી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ડીસામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા આગામી સમયમાં પણ હજી વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.