Bilkis Bano case: દોષિતોને સરેન્ડર કરવાની ડેડ લાઈન પહેલા ગુજરાત સરકાર રીવ્યું પીટીશન દાખલ કરી શકે છે
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોને ફરી જેલમાં ભેગા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવા માટે દોષિતોને આપેલો સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે અહેવાલ મુજબ ગુજરાત સરકારનો કાયદા વિભાગ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવા પર વિચાર કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી વી નાગરથ્ના અને ઉજ્જલ ભૂયની બેન્ચે 8 જાન્યુઆરીના રોજ ચુકાદો અપાતા જણાવ્યું હતું કે 1992ની જૂની નીતિ હેઠળ ગુનેગાર પાસે માફી આપવાનો અધિકાર નથી. સર્વોચ્ચ અદાલતે અગાઉ સૂચવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે દોષિતોને માફી આપવા અંગે વિચારણા કરવી જોઈએ, કેમકે કેસની સુનાવણી ત્યાં થઇ હતી.
8 જાન્યુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે દોષિતોને ગુજરાત સરકારે આપેલી માફી રદ કર્યા બાદ તેમને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. દોષિતોને સરેન્ડર કરવાની 22મી તારીખ નજીક આવી રહી છે, ત્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી કે અંતિમ સમયમર્યાદા પૂર્ણ થયા પહેલા તેઓને ફરાર ગણી શકાય નહીં.
દાહોદના પોલીસ અધિકારીએ ખાતરી આપી હતી કે રણધિકપુર અને દેવગઢ બારિયામાં સુરક્ષાના વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે, અને ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. અમે સાક્ષીઓને પણ રક્ષણ આપવામા આવ્યું છે.
દોષિતોની શરણાગતિની તારીખ અને રામ મંદિરના ઉદ્ઘાટનની 22 જાન્યુઆરી છે, જેના માટે દાહોદ પોલીસ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી રહી છે.