Bilkis Bano Case: ગુજરાત હાઈકોર્ટે વધુ એક બળાત્કારી અને હત્યારાના પેરોલ મંજૂર કર્યા, આ કારણે આપ્યા પેરોલ

અમદવાદ: ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે બિલ્કીસ બાનો કેસના દોષિત રમેશ ચાંદનાના 10 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. રમેશ ચાંદનાએ 5 માર્ચે તેના ભાણેજના લગ્નમાં હાજરી આપવાની છે. આ અંગે રમેશ ચાંદનાએ હાઈકોર્ટમાં અરજી કરીને પેરોલની માંગણી કરી હતી.
દોષિત રમેશ ચાંદનાએ ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં પેરોલની માંગણી કરી હતી. ચાંદના આ કેસમાં પેરોલ મેળવનારો બીજો દોષિત છે. આ કેસના તમામ 11 દોષિતોએ ગુજરાત સરકારે જેલ મુક્ત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 21 જાન્યુઆરીએ ગોધરા શહેરની જેલમાં તેમામે આત્મસમર્પણ કર્યું હતું.
આ તમામ 11 દોષિતોને 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ દિવ્યેશ જોશીએ શુક્રવારે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘દોષિત ચંદનાને તેની બહેનના દીકરાના લગ્ન સમારોહમાં હાજરી આપવાના આધારે પેરોલની માંગ કરવામાં આવી હતી. તેની અરજી પર વિચારણા કર્યા બાદ આરોપીને 10 દિવસ માટે પેરોલ આપવામાં આવે છે.’
અગાઉ પ્રદીપ મોઢિયા નામના દોષિતને 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પેરોલ આપવામાં આવ્યા હતાં.
15 ઓગસ્ટ 2022ના રોજ આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને જેલ દરમિયાન તેમના ‘સારા વર્તન’ને ટાંકીને રાજ્ય સરકાર દ્વારા અકાળે જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીના રોજ તમામ 11 દોષિતોને આપવામાં આવેલી સજા માફી રદ કરી હતી.
સર્વોચ્ચ અદાલતે ગોધરા જિલ્લા જેલમાંથી મુક્ત થયેલા દોષિતોને બે સપ્તાહની અંદર જેલમાં પરત ફરવાનો આદેશ આપ્યો હતો. દોષિતોએ 21 જાન્યુઆરીએ ગોધરા જેલ પ્રશાસન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.