પાટીલે ગુજરાત પછી બિહારમાં પણ ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી…

સુરતઃ બિહાર વિધાનસભા ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ 89 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. ભાજપે 101 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈએ ભાજપે સી આર પાટીલને સહ પ્રભારી બનાવ્યા હતા.
બિહારમાં પાટીલે 78માંથી કેટલી બેઠકો જીતાડી?
પાટીલને 78 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાંથી 68 બેઠકો પર પાર્ટીએ જીત મેળવી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં, આ જ 78 બેઠકોમાંથી ભાજપ માત્ર 31 બેઠકો જીતી શક્યું હતું. આમ, પાટીલે સહ-પ્રભારી તરીકે તેમને સોંપવામાં આવેલી બેઠકો પર પાર્ટી માટે સફળતા હાંસલ કરી હતી. નવસારી અને સુરત લોકસભા બેઠકના વિસ્તારમાંથી 200થી વધુ કાર્યકરો અને સમર્થકો સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળની 78 વિધાનસભા બેઠકો પર બિહારમાં પ્રચાર માટે રોકાયા હતા.

5 વર્ષથી વધુ સમય રહ્યા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ
પાટીલ નવસારી લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટમાં જળ શક્તિ પ્રધાન પણ છે. તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ હતા ત્યારે તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ વર્ષ 2022ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ 156 બેઠકો જીતી હતી. તેઓ પાંચ વર્ષ કરતા વધુ સમય ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. આમ આ દિગ્ગજ નેતાએ વડા પ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ વધુ એક ચૂંટણી સફળતા સાથે તેમનું વજન વધાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત મહિને જગદીશ પંચાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વખાણ કરતાં કહ્યું હતું કે, સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે.

2022 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે કૉંગ્રેસને 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. 2017માં ભાજપને 108 સીટ, કૉંગ્રેસને 68 સીટ તથા અન્યને 6 સીટ મળી હતી.



